લોકોએ મને ‘મજૂરાનો મિત્ર’ તરીકે ઓળખ આપી-ખોબલેને ખોબલે મત આપી મને વિધાનસભામાં મોકલ્યોઃ સંઘવી

લોકોનો આશીર્વાદ જ મારી સૌથી મોટી સંપત્તિઃ હર્ષ સંઘવી
(એજન્સી)અમદાવાદ, ડે.સીએમ બન્યા પછી દિવાળીના અવસર નિમિત્તે હર્ષ સંઘવી પહેલી વાર પોતાના વતન સુરતની મુલાકાતે હતા. અને ત્યાં તેમણે જનતાનો આભાર માણવાની સાથે એક એવી વાત કહી હતી કે જેણે ત્યાં હજાર તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલી વાર પોતાના વતન સુરત આવ્યા હતા. સરસાણા કન્વેન્શન હોલ ખાતે સર્વ સમાજ દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીએ જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો.
તેમણે જણાવ્યું કે “આપનું અભિવાદન જિલવા નહીં, પરંતુ આશીર્વાદ લેવા આવ્યો છું.” તેમણે ઉમેર્યું કે ઘણા ભાઈઓએ તેમને સમાજસેવાના પાઠ ભણાવ્યા છે, જ્યારે અનેક સાથીઓએ જીવનના સંઘર્ષના સમયમાં મહત્વનો ફાળો આપ્યો છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે “તમે ખોબલેને ખોબલે મત આપી મને વિધાનસભામાં મોકલ્યો, અને સાથે મને ‘મજૂરાનો મિત્ર’ તરીકે ઓળખ આપ્યો.” તેમણે જણાવ્યું કે તેઓ એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરતા હતા અને આજે નાયબ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે જેના માટે ભાજપના શીર્ષ નેતૃત્વ અને લોકોનો આભાર માનું છું.
“મને માત્ર હર્ષ કહીને બોલાવજો, મારું નામ પાછળ કોઈએ ભાઈ કે સાહેબ લગાવવાનું નથી. હું નથી ઇચ્છતો કે દિલના સંબંધો વચ્ચે કોઈ હોદ્દો આવે,” એમ કહીને તેમણે સૌના દિલ જીતી લીધા.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે “સત્તા માથા પર નશો ચઢાવવા માટે નથી, પરંતુ લોકોની મદદ માટે છે.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “મારાથી થાય તેટલી મદદ કરી છે, કોઈને નડ્યો હોય એવો દાખલો નથી.”
હર્ષ સંઘવીએ વિનંતી કરી કે “કોઈ ફૂલનો ગુલદસ્તો કે એડ આપશો નહીં, માત્ર તમારા આશીર્વાદ આપજો.” તેમણે ઉમેર્યું કે “હોલ્ડિંગ કે પેપર એડ આપીને કોઈ સુખી થયું નથી, પરંતુ જેની મદદ કરશો તે ખુશ થશે તો મને લાગશે કે કંઈ સારું થયું છે.” અંતમાં તેમણે કહ્યું — “આ સમય મારા માટે કામ કરવાનો સમય છે, તમે બે વર્ષ પછી મારું કામ જોજો અને કહેજો કે હર્ષે કામ કર્યું કે નહીં.”