વહુઓને પુત્રવધૂ રત્ન એવોર્ડ -ઘર સંભાળનાર પુત્રવધૂઓનું પ્રજાપતિ સમાજે કર્યું સન્માન

સુરત, સુરતમાં વાટલિયા પ્રજાપતિ સમાજે અનોખી ઉજવણી કરી. પુત્રવધુ રત્ન એવોર્ડથી અનેક પુત્રવધૂઓને સન્માનિત કરી હતી. ૧૦ વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતી પુત્રવધૂઓને સન્માનિત કરાઈ. એટલું જ નહીં એક જ રસોડામાં જમતા પરિવારોનું પણ સન્માન કરાયું. સમાજ દ્વારા પ૧ પુત્રવધૂઓને સન્માનિત કરી સયુક્ત પરિવારનો ખાસ સંદેશ આપ્યો. કુટુંબ ભાવના વિકસે તેવા ઉદ્દેશતી આ કાર્યક્રમ યોજ્યો હતો.
વરાછાના પુણાગામ ખાતે ધનતેરસના દિવસે શનિવારે એક અનોખો અને પ્રેરણાદાયક સન્માન સમારોહ પુત્રવધૂ રત્ન એવોર્ડનું આયોજન થયું હતું. સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત શહેરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત યોજાયેલા આ અનોખા અને પ્રેરણાદાયક સન્માન સમારોહમાં છેલ્લા ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતા તથા એક જ રસોડે જમતા પરિવારની પ૧ પુત્રવધૂને પુત્રવધૂ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી.
લક્ષ્મી પૂજનના શુભદિને ગૃહલક્ષ્મીનું સન્માન કરી સર્વ સમાજ માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ, સુરત દ્વારા ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. આ આયોજનના મુખ્ય પ્રેરક તથા સંસ્થાના મંત્રી એવા સામાજિક કાર્યકર્તા નિલેશ ધીરૂભાઈ જીકાદરા દ્વારા આયોજનના પ્રેરણાસ્ત્રોત વિશે એવું જણાવ્યું હતું કે, આજદિન સુધી સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા થતાં વિવિધ આયોજનોમાં સામાજિક અગ્રણીઓ તથા દાતાઓનું સન્માન થતું જોયું છે.
યુવાઓને પ્રોત્સાહન અપાય છે. માતૃ-પિતૃ વંદના થાય છે. દીકરીઓનું પૂજન થાય છે. તેમજ વિવિધ ક્ષેત્રમાં સફળ થયેલી સ્ત્રીઓને સન્માનિત કરવા માટે પણ ઘણા બધા આયોજનો થાય છે. જે ખૂબ જ આવકારદાયક છે પરંતુ સમાજ, પરિવાર કે કુટુંબની રચનામાં પાયાનો પથ્થર કહી શકાય તેવા પુત્રવધૂ રૂપ સ્ત્રીના યોગદાન, ત્યાગ અને સમર્પણને તેમના પરિવારજનો તેમજ સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા હરહંમેશ અવગણવામાં આવી છે.
ત્યારે એક સામાજિક કાર્યકર્તા તરીકે મારી એક નૈતિક જવાબદારી સમજીને પુત્રથી પણ વધુ એવી પુત્રવધૂને પુત્રવધૂ રત્ન એવોર્ડ અર્પણ કરીને સામાજિક માનસિકતામાં એક સકારાત્મક પરિવર્તન લાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે.