બુટલેગર દંપત્તિએ દારૂના ધંધામાં જ કરોડોની મિલકતો વસાવી- ૧૧૭પ ગ્રામ સોનું લોકરોમાં

પ્રતિકાત્મક
પોલીસે તપાસ દરમિયાન જયસ્વાલ પરિવારના પાંચ રહેઠાણ મકાનો, તબેલો, સૂચિન નાયરા પેટ્રોલપંપ, સચિન રેસ્ટોરન્ટ, સચિન ઓટો પ્લાઝા શો-રૂમ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
વડોદરાના બુટલેગરનું રૂ.૧.૬ર કરોડનું સોનું ફ્રીઝ કરાયું
વડોદરા, વડોદરાના ડભોઈ વડોદરા રોડ ઉપર રતનપુર ગામે છેલ્લા ર૦ વર્ષથી દારૂનો મોટાપાયે ધંધો કરનાર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ સામે જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં તે કરોડોનો આસામી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
જિલ્લા પોલીસ દ્વારા ર૦ વર્ષથી દારૂનો વેપલો કરતો અને અનેક ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ, તેની પત્ની સીમા જયસ્વાલ, ભાઈ હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વા અને રાજેશ ઉર્ફે ખન્ના બારીયા સામે ૧૪મીના રોજ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો. તપાસ કરનાર અમલદાર આકાશ પટેલ દ્વારા તમામ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરાતા
અદાલતે સીમા જયસ્વાલને જેલમાં મોકલી આપી બાકીના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. પોલીસે તપાસ દરમિયાન જયસ્વાલ પરિવારના પાંચ રહેઠાણ મકાનો, તબેલો, સૂચિન નાયરા પેટ્રોલપંપ, સચિન રેસ્ટોરન્ટ, સચિન ઓટો પ્લાઝા શો-રૂમ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
જયસ્વાલ પરિવારે દારૂના ધંધામાં જ કરોડોની મિલકતો વસાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પરિવારે ૧૧૭પ ગ્રામ સોનું લોકરોમાં થાપણ તરીકે મૂકી ગોલ્ડ લોન મેળવી હોવાથી પોલીસ દ્વારા આશરે ૧.૬ર કરોડનું સોનું ફ્રીજ કરી દીધું છે.