સુરતમાં દરરોજ સ્પેશિયલ ૮ ટ્રેન રવાના થાય છે અને એડવાન્સ પ્લાનિંગ કરવામાં આવ્યું છે છતાં મુસાફરોનો ઘસારો

સુરતના રેલવે સ્ટેશન પર વધારાની ટ્રેનો પણ ખૂટી, મુસાફરોનું કીડીયારું ઉભરાયું
સુરત, સુરતના રેલવે સ્ટેશન ઉપર ઉત્તર ભારત તરફ જવા માટે વધારાની ટ્રેનો પણ ખૂટી પડી હોય તેવા હાલ થયા છે. દિવાળી, છઠપૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના પગલે સુરતમાં કામ કરતાં લાખો શ્રમિકોએ છેલ્લા અઠવાડિયાથી વતનની વાટ પકડી છે.
પેસેન્જરોના ધસારાને પગલે રેલવે વિભાગે ઊભી કરેલી તમામ સુવિધા ટૂંકી પડી રહી છે. પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હોવાની વ્યથામાં લોકો ટ્રેનમાં બેસવા માટે ૧રથી ૧૪ કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. છતાં ટ્રેનોમાં જગ્યા ન મળતી હોવાનું પેસેન્જર જણાવી રહ્યા છે.
રેલવે વિભાગે મુસાફરો માટે પેસેન્જર હોલ્ડીંગ એરિયા બનાવ્યો છે પરંતુ એ હાઉસફૂલ થઈ જતાં પેસેન્જર ખુલ્લામાં રસ્તા પર બેસી ટ્રેનની પ્રતિક્ષા કરવાની નોબત આવી છે. ઉધના રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલા બે પ્રતિક્ષા ગૃહો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. જેના કારણે લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઈન રેલવે સ્ટેશનની બહાર સુધી લાગી રહી છે.
કલાકોથી લાઈનમાં ઊભેલા યાત્રીઓ માટે બેસવાની પણ કોઈ જગ્યા ન હોવાથી તેઓ જમીન પર બેસવા મજબૂર છે. વક્રતા એ છે કે, કલાકોની રાહ જોયા પછી જ્યારે ટ્રેન આવે છે ત્યારે લાઈનમાં ઊભા રહેલા લોકો ટ્રેન ઝડપથી ભરાઈ જતી હોવાથી મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય તે રીતે માત્ર ટ્રેન જોતા જ રહી જાય છે.
રેલવે સ્ટેશનની બહાર ઊભેલા યાત્રીઓમાં હતાશા પણ છવાઈ રહી છે. મહિલા યાત્રીઓ, તેમાં પણ પોતાના બાળકો સાથે આવતી મહિલાઓની હાલત સૌથી કફોડી થઈ રહી છે. તેમને શૌચાલય સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલવે વિભાગના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભયસિંહ ચૌહાણ કહે છે કે યાત્રીઓને કોઈ હાલાકી ન થાય એ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જો કે, ભીડ ખૂબ જ વધારે છે તેમ છતાં લાઈનમાં ઉભેલા તમામ લોકોને ટ્રેનમાં મોકલવાનું મહત્તમ સ્તરે મેનેજમેન્ટ કરી રહ્યા છીએ.
સ્પેશિયલ ૮ ટ્રેન દરરોજ રવાના થાય છે અને એડવાન્સ પ્લાનિંગ કરવામાં આવ્યું છે છતાં મુસાફરોનો ઘસારો પણ છે તેથી હોલ્ડીંગ એરિયાની બહારની ભીડને એક-એક કરીને અંદર મોકલવા માટેનું આયોજન કર્યું છે.