Western Times News

Gujarati News

બસમાં આગઃ યુવાન મદદની ભીખ માંગતો હતો અને લોકો વીડિયો બનાવતા રહ્યા

ગંભીર રીતે દાઝેલા૧૯ વર્ષીય મહિપાલ સિંહ અને જેસલમેરના મનોજ ભાટિયાનું સારવાર દરમિયાન મૃત્યુ

જેસલમેર,  રાજસ્થાનના જેસલમેરમાં ૧૪મી આૅક્ટોબરના રોજ બસમાં આગ લાગવાની ગમખ્વાર ઘટનામાં વધુ બે લોકોનાં મોત થતાં મૃત્યુઆંક વધીને ૨૪ પર પહોંચ્યો છે. ગંભીર રીતે દાઝી જવાથી ઘાયલ થયેલા રામદેવરાના ૧૯ વર્ષીય મહિપાલ સિંહ અને જેસલમેરના મનોજ ભાટિયાનું મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

અહેવાલો અનુસાર, બસમાં લાગેલી આગ દુર્ઘટનામાં મહિપાલ સિંહ ૩૪થી ૪૦ ટકા દાઝી ગયો હતો અને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો. ડૉકટરોના સઘન પ્રયાસો છતાં તેનો જીવન બચાવી શક્્યા નહતા. મનોજ ભાટિયા પણ આ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

આ અકસ્માતની આઘાતજનક વિગતો સામે આવી છે. મહિપાલ સિંહ એરફોર્સ ભરતીની પરીક્ષા આપીને રામદેવરા પરત ફરી રહ્યા હતા. તેના કાકા વિનોદ સિંહે જણાવ્યું કે, ‘મહિપાલ બસના બરાબર મધ્ય ભાગમાં બેઠા હતા અને અચાનક આગ લાગતા તે કાચ તોડીને બહાર કૂદી પડ્યા હતા.

સૌથી દુઃખદ બાબત એ છે કે બસમાંથી કૂદી પડ્યા બાદ મહિપાલે લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ માંગી હતી, પરંતુ ઘટનાસ્થળે હાજર લોકોએ મદદ કરવાને બદલે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું’

મહિપાલના કાકાના જણાવ્યા અનુસાર, બસમાંથી બહાર નીકળ્યા બાદ મહિપાલે પહેલા તેના પિતાને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી, પરંતુ થોડી જ વારમાં તેનો ફોન બંધ થઈ ગયો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો દ્વારા એક પરિચિત વ્યક્તિએ મહિપાલને ઓળખીને પરિવારને જાણ કરી હતી. વાઈરલ વીડિયોમાં મહિપાલ સિંહ સળગતી બસમાંથી બહાર નીકળ્યા બાદ મદદ માટે વિનંતી કરતા જોવા મળ્યા હતા.

અંતે એક કાર ચાલકે તેને પોતાની કારમાં બેસાડ્યો, પરંતુ સીટ પર બેસતાની સાથે જ ડ્રાઇવરે તેને બહાર નીકળી જવા કહ્યું હતું. આ પછી એક બાઇક ચાલક મહિપાલને જવાહર હોસ્પિટલ લઈ ગયો, જ્યાંથી તેને વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યો હતો. હાલમાં ૫૦ ટકાથી વધુ દાઝી ગયેલા અન્ય ચાર દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.