Western Times News

Gujarati News

અમદાવાદમાં યોજાયેલ ‘રોજગાર મેળા’માં 155 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું

અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન, નવી નિમણૂક મેળવનાર યુવાનોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો માન્યો આભાર

આજની નિમણૂકો માત્ર સરકારી નોકરીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની તક – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદ સહિત દેશભરના 40 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને 51,000 થી વધુ નિમણૂક પત્રો આપવામાં આવ્યા. આ અવસરે પ્રધાનમંત્રીએ વિશેષ વીડિયો સંદેશા મારફતે નવી નિમણૂક મેળવનાર યુવાઓને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.

આ શ્રેણીમાં, અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સભાગૃહ ખાતે પોસ્ટ વિભાગના નેજા હેઠળ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી (ભારત સરકાર) શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, અને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સાથે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો.

અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ, રેલ્વે, આવકવેરા, નાણાકીય સેવાઓ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વગેરે વિભાગોના નવા ભરતી થયેલા યુવા ઉમેદવારોએ ભાગ લીધો. ભારત સરકારના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપીને તેમના સુખદ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.

સમારોહ દરમિયાન 29 મહિલા ઉમેદવારો સહિત કુલ 155 નવનિયુક્ત ઉમેદવારોને નિયુક્તિ પત્ર આપ્યા. નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોએ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે આ અવસર તેમના જીવનનો સુવર્ણ અધ્યાય છે, જે તેમને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે.

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભારત સરકાર ના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજે દેશભરમાં યોજાયેલ આ ‘રોજગાર મેળા’એ યુવાઓના જીવનમાં નવી રોશની લાવી છે અને તેમને દિવાળીના પર્વ પર એક અનમોલ ઉપહાર આપ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2022થી સતત યોજાતો આ રોજગાર મેળો બદલાતા ભારતની નવી તસ્વીર રજૂ કરે છે એક એવું ભારત, જે અવસરો થી ભરપૂર છે. તેમણે જણાવ્યું કે દેશના યુવાઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવો એ અમારું સંકલ્પ છે. ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ જેવા અભિયાનો એ દેશમાં રોજગાર સર્જનની દિશામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે.

સરકારી સેવાઓ સાથે સાથે હાલમાં દેશમાં લગભગ 1.6 લાખથી વધુ સ્ટાર્ટઅપ દ્વારા 17.6 લાખથી વધુ યુવાઓને રોજગારના અવસર પ્રાપ્ત થયા છે. પી.એમ. સેતુ યોજનાના માધ્યમથી આઇ.ટી.આઇ. સંસ્થાઓનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. તમામ નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને તેમણે સંદેશ આપ્યો કે તેઓ સંપૂર્ણ ઈમાનદારી સાથે અને ‘સિટિઝન ફર્સ્ટ’ની ભાવનાથી કાર્ય કરે અને દરેક નાગરિક સુધી ઉત્તમ સેવાઓ પહોંચાડે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ રોજગાર મેળામાં નિમણૂક પત્ર મેળવવો એ ફક્ત કાગળનો ટુકડો કે દસ્તાવેજ નથી, પરંતુ દેશની સેવા માટે જીવનભર પ્રતિજ્ઞા લેવાની સુવર્ણ તક છે. દેશના ભવિષ્ય તરીકે યુવાનો પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ છે.

આ પ્રસંગે એક વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત કર્મચારીઓને ‘નાગરિક દેવો ભવ’ ના મંત્રને ભૂલશો નહીં અને સેવા અને સમર્પણની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. તેમણે કહ્યું, “છેલ્લા 11 વર્ષથી, રાષ્ટ્ર એક વિકસિત ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં યુવાનોની ભૂમિકા સર્વોચ્ચ રહી છે.” પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે યુવાનોને સશક્ત બનાવવું એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે.

તેમણે જણાવ્યું કે રોજગાર મેળા યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે એક શક્તિશાળી માધ્યમ બની ગયા છે, અને તાજેતરમાં, આ મેળાઓ દ્વારા 11 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારે ‘પીએમ વિકાસિત ભારત રોજગાર યોજના’ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 3.5 કરોડથી  વધુ  યુવાનોને રોજગાર પૂરો પાડવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્કિલ ઇન્ડિયા મિશન યુવાનોને જરૂરી તાલીમ આપી રહ્યું છે, અને રાષ્ટ્રીય કારકિર્દી સેવા પ્લેટફોર્મ તેમને નવી તકો સાથે જોડી રહ્યું છે. અત્યાર સુધીમાં, આ પ્લેટફોર્મ દ્વારા યુવાનોને 7 કરોડથી વધુ નોકરીઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે.

પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે જે ઉમેદવારો યુપીએસસીની અંતિમ યાદી સુધી પહોંચ્યા પરંતુ પસંદગી ન થઈ શક્યા, તેમની મહેનત હવે વ્યર્થ નહીં જાય. ‘પ્રતિભા સેતુ’ પોર્ટલ મારફતે ખાનગી અને સરકારી સંસ્થાઓ આવા પ્રતિભાશાળી યુવાઓને આમંત્રણ આપી શકે છે. પ્રધાનમંત્રીએ આઇ-ગોટ કર્મયોગી ભારત પ્લેટફોર્મની ઉપયોગિતા પર પણ ભાર મૂક્યો,

જેમાં લગભગ 1.5 કરોડ સરકારી કર્મચારીઓ પહેલેથી જ તાલીમ લઈ રહ્યા છે. તેમણે નવી નિમણૂક મેળવનાર યુવાઓને આ પ્લેટફોર્મ સાથે જોડાવા અને નવી કાર્ય સંસ્કૃતિ તથા સુશાસનની ભાવનાને આત્મસાત કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે જી.એસ.ટી બચત ઉત્સવ આ તહેવારોની સિઝન દરમિયાન પણ રોજગાર સર્જનમાં ફાળો આપી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.