Western Times News

Gujarati News

નવ હોક વિમાનોએ દ્વારા રજૂ કરાયેલા ડાયમંડ ફોર્મેશન સહિતના દિલધડક સ્ટંટ મહેસાણાના પ્રજાજનોએ નિહાળ્યા

મહેસાણા ખાતે ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા રાષ્ટ્રપ્રેમનો શૌર્યપૂર્ણ એર શો યોજાયો

“વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય આજે સમગ્ર વિશ્વમાં ગૌરવ લેવા જેવું છે”:ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

મહેસાણાનું આકાશ તિરંગાના રંગથી રંગાયું

મહેસાણા, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજવવાના ભાગરૂપે  મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દિવાળીની અતિશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં અદભુત અને રોમાંચક કરતબોનું પ્રદર્શન યોજાયું હતું. આ ભવ્ય એર શોનું આયોજન મહેસાણા એરપોર્ટ ખાતે ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

એર શોના દિલ ધડક કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મહેસાણાના આંગણે એર શોનું આયોજન ઉત્તર ગુજરાત માટે ગૌરવ ભરી ક્ષણ છે, જેના માટે તેમણે દેશના પ્રધાનમંત્રીશ્રી અને સંરક્ષણ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત ધીરજ, શાંતિ અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના સંદેશ થકી સમગ્ર વિશ્વને રાહ બતાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય અને પરાક્રમ આજે આપણા માટે સમગ્ર વિશ્વમાં ગૌરવ લેવા જેવું છે, અને તેમણે ઓપરેશન સિંદૂર જેવા પરાક્રમો માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર જેવા અનેક પરાક્રમો થકી આજે દેશ ગૌરવ લઈ રહ્યો છે, જેના પગલે દેશની સેનાનું મનોબળ અને આત્મવિશ્વાસ વધી રહ્યો છે, જે દેશની સલામતી માટે મહત્ત્વનું કદમ સાબિત થઈ રહ્યું છે.

ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રને મજબૂત કરવાનું કામ કર્યું છે અને સુરક્ષા, શાંતિ તથા સલામતી સાથે કરેલા ઐતિહાસિક નિર્ણયોને પગલે આજે ભારત વિશ્વ ગુરુ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે દેશના વિકાસ સાથે સ્વચ્છતા, સામાજિક સમરસતા, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાન આજે રાષ્ટ્રની નીંવ મજબૂત કરી રહ્યા છે. આ સાથે તેમણે નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સ્વદેશી અપનાવો મુહિમને આગળ વધારવા પણ નાગરિકોને અપીલ કરી હતી.

વાયુસેનાનો આભાર માનતા સાંસદશ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૂર્ય કિરણ ટીમ દ્વારા આયોજિત એર શો એટલે રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમ. તેમણે આ શો માટે મહેસાણા વતી દેશના પ્રધાનમંત્રીશ્રી અને સંરક્ષણ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એર શોના આયોજને નાગરિકોમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર વ્યક્ત કર્યો છે, જે માટે આ શોને તેમણે નવા ભારતના નિર્માણનું કદમ ગણાવ્યું હતું. તેમણે વાયુસેનાનો આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું કે રાષ્ટ્ર પ્રેમનું પ્રતીક અને રાષ્ટ્રભાવના સાથેના આ એર શોમાં મહિલા પાયલોટ પણ સામેલ હોવાથી, સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આ ધરતી પર જોવા મળ્યું છે.

SKAT ટીમનું પ્રદર્શન અને વિશેષતાઓ:

૧૯૯૬માં રચાયેલી SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે, જે “સર્વદા સર્વોત્તમ”ના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે. અત્યાર સુધીમાં ટીમે ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAEમાં ૭૦૦ થી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં યોજાયેલા SKAT શોએ ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ભારતીય વાયુસેનાની SKAT ટીમના નવ હોક Mk132 વિમાનોએ મહેસાણાના અવકાશમાં પોતાના સશક્ત કરતબો રજૂ કર્યા હતા. આ વિમાનોએ SKAT ટીમના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ ડાયમંડ, ભારતના વિશ્વવિખ્યાત સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ સહિત લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ, એ અને વાય જેવા દિલધડક સ્ટંટ દર્શકોએ નિહાળ્યા હતા. સૂર્યકિરણ એરોબેટિક ટીમના પાયલટ્સ ૫ મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કર્યા હતા, જેમાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતીય વાયુ સેનાના જાંબાઝ નવ વિમાનોએ મહેસાણાના આકાશને તિરંગાના રંગથી રંગ્યા. આ રંગ જેમાં કેસરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય તથા અધિકારોનું પ્રતીક મનાય છે, તેને મહેસાણાના નગરજનોએ ‘એક રાષ્ટ્ર, સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર’ ભાવ સાથે આવકાર્યા હતા.

આ રોમાંચક એર શોનું સફળ સંચાલન એરફોર્સના પાયલોટ કમલ સંધુ તેમજ ગૌરવ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોમાંચક એર શોના કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી સુખાજી ઠાકોર, કે કે પટેલ, જિલ્લા કલેકટર એસ કે પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરુણ દુગ્ગલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, ડિસ્ટ્રીક બેંક ચેરમેન વિનોદ પટેલ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, ONGCના અધિકારીશ્રીઓ, વાયુ સેનાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.