શું આયુષ ડોક્ટર્સ એલોપેથિક ડોક્ટર્સની સમાન નિવૃત્તિ લાભ તથા પગાર ધોરણનો દાવો કરી શકે?
AI Image
આયુર્વેદિક, એલોપેથિક તબીબો વચ્ચે સમાનતાનો મુદ્દો લાર્જર બેન્ચને સોંપાયો
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ (આયુષ, યુનાની, આર્યુવેદ, હોમિયોપેથી વગેરે) અપનાવતા તબીબો અને એલોપેથિક ડોક્ટર્સ વચ્ચે સેવાની શરતો, પગાર ધોરણ અને નિવૃત્તિ વય સંબંધિત સમાનતાના મુદ્દાને સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચ સમક્ષ મોકલી આપ્યો છે.
૧૩ મેના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી આર ગવઈ તથા જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે સરકારી હોસ્પિટલો અને ક્લિનિક્સમાં આયુષના પ્રેક્ટિશનરો અને એલોપેથી ડોકટરો માટે નિવૃત્તિની ઉંમર અલગ હોઈ શકે છે કે કેમ તે અંગે જવાબ માંગતી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો.
૧૭ ઓક્ટોબરના જાહેર કરાયેલા ઓર્ડરમાં બેન્ચે જણાવ્યું કે, બે જુદી જુદી પ્રણાલીના તબીબોને સેવા લાભો માટે સમાન ગણી શકાય કે કેમ તે મુદ્દે મતભેદ હોવાથી અધિકૃત નિર્ણય કરવા મોટી બેન્ચને સોંપ્યો છે.
શું આયુષ ડોક્ટર્સ એલોપેથિક ડોક્ટર્સની સમાન નિવૃત્તિ લાભ તથા પગાર ધોરણનો દાવો કરી શકે છે તે મુદ્દે નિર્ણયોમાં જુદા જુદા વલણો સામે આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
કોર્ટે જણાવ્યું કે, રાજ્યોની એ રજૂઆતને અવગણી શકાય નહીં કે, (એલોપેથિક ડોક્ટર્સની) નિવૃત્તિ વયમાં એજ ઉદ્દેશથી વધારો કરાયો હતો કે લોકોની સારવાર માટે પૂરતા અનુભવી તબીબો ઉપલબ્ધ છે તે સુનિશ્ચિત થાય. એલોપેથીની જેમ હોમિયોપેથી કે સ્વદેશી ચિકિત્સા પ્રણાલીમાં ડોક્ટર્સની અછત જોવા મળતી નથી.
લાર્જર બેન્ચનો ચુકાદો આવે ત્યાં સુધી કોર્ટે રાજ્યો અને સત્તાવાળાઓ આયુષ તબીબોને તેમની વર્તમાન નિવૃતિની વય ઉપરાંત, એલોપેથિક તબીબો માટે લાગુ થતી વયનિવૃત્તિ સુધી કામચલાઉ ધોરણે નિયમિત પગાર અને ભથ્થા વગર પ્રેક્ટિસ ચાલુ રાખવા છૂટ આપે.
જો લાર્જર બેન્ચનો ચુકાદો આયુષ ડોક્ટરોની તરફેણમાં આવે તો સેવાના લંબાવાયેલા સમય ગાળા માટે આ તબીબોને પૂરો પગાર તથા ભથ્થાં ચૂકવાશે તેમ કોર્ટે જણાવ્યું હતું. બેન્ચે રાજ્યો દ્વારા કરાયેલી ૩૧ જેટલી અરજીઓની સુનાવણી કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત સંખ્યાબંધ વકીલોની દલીલો સાંભળી હતી.
