થાઈલેન્ડના રાજમાતા સિરિકીતે ૯૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
File Photo
ગરીબોના મસીહા અને ‘ગ્રીન ક્વીન’ –થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનો જન્મદિવસ, ૧૨ ઓગસ્ટ, થાઈલેન્ડમાં ‘માતૃ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
થાઈલેન્ડ, થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનું શુક્રવારે ૯૩ વર્ષની વયે નિધન થયું છે. શાહી પરિવારે જાહેરાત કરી કે બેંગકોકની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ ૧૭ ઓક્ટોબરથી લોહીના ચેપથી પીડાઈ રહ્યા હતા અને તબિયતમાં સુધારો થઈ રહ્યો ન હતો.
રાજમાતા સિરિકીત દિવંગત રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના પત્ની અને વર્તમાન રાજા મહા વજિરાલોંગકોર્નના માતા હતા. તેમના નિધનથી થાઈલેન્ડમાં શોકનો માહોલ છે.રાજમાતા સિરિકીત થાઈલેન્ડના લોકોમાં અત્યંત પ્રિય અને પ્રભાવશાળી હતા.
તેમનું સ્થાન એટલું ઊંચું હતું કે તેમનો જન્મદિવસ, ૧૨ ઓગસ્ટ, થાઈલેન્ડમાં ‘માતૃ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે ગ્રામીણ ગરીબોની મદદ કરવા, પરંપરાગત હસ્તકળાને જીવંત રાખવા અને પર્યાવરણની સુરક્ષા માટે અસંખ્ય શાહી પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૭૬ માં તેમણે સ્થાપેલ ‘સપોર્ટ’ ફાઉન્ડેશન દ્વારા હજારો ગ્રામજનોને રેશમ વણાટ અને ઘરેણાં બનાવવા જેવી કળાઓમાં તાલીમ આપીને આત્મનિર્ભર બનાવ્યા. પર્યાવરણ પ્રત્યેના તેમના લગાવને કારણે તેમને “ગ્રીન ક્વીન”નું ઉપનામ પણ મળ્યું હતું.
જોકે, તેમની લોકપ્રિયતાની સાથે સાથે, થાઈલેન્ડના રાજકીય ઉથલપાથલના દાયકાઓમાં તેમની ભૂમિકા વિવાદાસ્પદ પણ રહી હતી. તેમના પર પડદા પાછળ રહીને રાજકારણમાં પ્રભાવ પાડવાના આરોપો લાગતા રહ્યા હતા. ખાસ કરીને, જ્યારે તેમણે પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયેલા એક સરકાર-વિરોધી પ્રદર્શનકારીના અંતિમ સંસ્કારમાં જાહેરમાં હાજરી આપી, ત્યારે ઘણા લોકોએ તેને રાજકીય પક્ષપાત તરીકે જોયું હતું.સિરિકીતનો જન્મ ૧૯૩૨ માં બેંગકોકના એક કુલીન પરિવારમાં થયો હતો.
તેમના પિતા રાજદ્વારી હોવાથી તેઓ યુરોપમાં મોટા થયા. ૧૬ વર્ષની ઉંમરે પેરિસમાં તેમની મુલાકાત થાઈલેન્ડના નવા રાજા બનેલા ભૂમિબોલ સાથે થઈ હતી. રાજાના કાર અકસ્માત બાદ સિરિકીતે તેમની ખૂબ સેવા કરી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. આ શાહી દંપતીએ ૧૯૫૦ માં લગ્ન કર્યા હતા. રાજા ભૂમિબોલનું ૨૦૧૬માં નિધન થયું હતું. રાજમાતા સિરિકીતનું જીવન માત્ર ઔપચારિક રાણી તરીકેનું નહોતું, પરંતુ તેમણે થાઈ સમાજમાં એક સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી થાઈલેન્ડના એક મોટા યુગનો અંત આવ્યો છે.ss1
