Western Times News

Gujarati News

પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો

કપાળે વાગ્યો લોખંડનો ટુકડો

આ ઘટના બાદ મૃતક સગીરાના પિતાએ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ, અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ફટાકડા ફોડવામાં ગંભીર બેદરકારીના કારણે ૧૬ વર્ષની સગીરાનું કરુણ મોત નીપજ્યું છે. ગત ૨૧ ઓક્ટોબરની રાત્રે ત્રણ યુવકો લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા. આ દરમિયાન લોખંડનો ટુકડો ઉડીને સગીરાના કપાળ પર વાગ્યો હતો. જેથી સગીરાને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતક સગીરાના પિતાએ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક સગીરા હીના પુરોહિત (૧૬) ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી. તેના પિતા મિનેશભાઈ પુરોહિતે (૪૨) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૧ ઓક્ટોબરની રાત્રે તેમની પુત્રી હીના તેની મિત્ર સાથે પટેલ ડેરી પાર્લર પાસે ઊભી હતી. આ સમયે એક મોટો વિસ્ફોટ સંભળાયો હતો અને મદદ માટે બૂમો પડતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે તેમની દીકરીના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું અને તે બેભાન અવસ્થામાં પડી હતી.

હીનાને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ૨૨ ઓક્ટોબરના રોજ સાંજે ૬ઃ૨૫ વાગ્યે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.ફરિયાદી મિનેશભાઈએ આસપાસની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ ત્રણ યુવકો પર આરોપ લગાવ્યો છે. ફૂટેજમાં તે જ સોસાયટીના રહેવાસી નીલ હિરેનભાઈ રામી (૧૯) અને બે ૧૩ વર્ષના સગીરો ઓમ કુંતેશ્વર મહાદેવ મંદિરની સામેના જાહેર રોડ પર લોખંડના પાઈપમાં ફટાકડા ભરીને સળગાવતા જોવા મળ્યા હતા.

બેદરકારીપૂર્વક સળગાવવામાં આવેલા ફટાકડા ભરેલી લોખંડની પાઈપનો ટુકડો ઉડીને હીનાના કપાળ પર વાગ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય યુવકો સામે બેદરકારીભર્યું કૃત્ય કરીને મૃત્યુ નીપજાવવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડવાની બેદરકારીભરી રીતના કારણે એક સગીરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.