મારી દિવાળી શાંતિ અને ઘરે બનેલાં ભોજનવાળી રહી : વાણી
વાણી કપૂરે બાળપણની દિવાળીની યાજો તાજી કરી
અમે હંમેશા પૂજા સાથે શરૂઆત કરતા હતા પછી તેમાં પરિવારની મજાક મસ્તી ચાલતી : વાણી કપૂર
મુંબઈ, એક તરફ બોલિવૂડમાં દિવાળી પાર્ટીની ધૂમ મચી છે, ત્યારે બીજી તરફ કેટલાંક કલાકારો એવા પણ છે, જેમને દિવાળી પર શાંતિથી ઘરમાં રહીને ઘરે બનેલું ભોજન લેવું ગમે છે. એક્ટ્રેસ વાણી કપૂરે પણ આવી જ દિવાળીની વાત કરતા પોતાની બાળપણની દિવાળીની યાદો પણ તાજી કરી હતી. વાણીએ કહ્યું,“આ વખતે મારી ઇચ્છા ઘરમાં અને મિત્રો સાથે ઘરે બનાવેલું ભોજન ખાવાની શાંતિપૂર્વકની દિવાળી ઉજવવાની છે. આ વખતે કોઈ કાર્યક્રમો અને પાર્ટીમાં જવાનું દબાણ નથી.
મને લાગે છે, ખરી દિવાળીની ઉજવણી, ઉશ્મા અને કરુણાભરી તેમજ અર્થસભર હોવી જોઈએ. દિવા પ્રગટાવીશ, મીઠાઈઓ અને ખુશીઓ વહેંચીશ, આવી દિવાળી હવે બહુ ઉજવવા મળતી નથી.”દિલ્હીની પોતાની બાળપણની દિવાળીની ઉજવણી વિશે વાત કરતા વાણીએ કહ્યું,“ મને એ ધમાલ સ્પષ્ટ રીતે યાદ છે, અડધા પ્રગટેલા દિવા, તો કોઈ પોતાના પગ પાસે ચકરડી સળગાવે. દિલ્હીની દિવાળી ઘણી રંગીન રહેતી જેમાં ડાન્સ, વાનગીઓ અને પરિવારો એકસાથે આવીને ઉજવણી કરે છે.
”આગળ વાણીએ કહ્યું,“અમે હંમેશા પૂજા સાથે શરૂઆત કરતા હતા પછી તેમાં પરિવારની મજાક મસ્તી ચાલતી. કોઈ માચીસ ભુલી જતું તો કોઈ મીઠાઇની ફરિયાદો કરતું, બહુ જ ધમાલ રહેતી.”વાણીને તેનું ઘર સજાવવું પણ ગમતું હતું, આ અંગે તેણે જણાવ્યું,“બધે દિવાઓ જ રહેતાં, તાજા ફૂલોની મહેક અને લલચાવે એવી વાનગીઓ. હું હંમેશા દિવાળી પર ઘરે જવાની કોશિશ કરું છું, પરંતુ ક્યારેક કામ તમને ઘરથી દૂર રાખે છે. તેથી અમે કમસે કમ વીડિયો કોલમાં વાત કરી લઈએ છીએ.”
દિવાળી નવી ખરીદીઓનો સમય છે, આ અંગે વાણી કહે છે, “મને હવે લાગે છે, દિવાળી નવી ખરીદીથી વિશેષ તો શાંતિ, ઓછી વસ્તુઓ, હળવાશ અને તમને પ્રેમ કરતાં લોકો વચ્ચે રહેવામાં જ છે. તેમાં પણ દિવાળી પર ગુજિયા અને લાડુ મને સૌથી વધુ ગમે છે. મને ઘરમાં દિવાઓ પ્રગટાવવા પણ બહુ જ ગમે છે. હું મુંબઈમાં એકલી રહું છું એટલે ખાસ રસોઈ બનાવતી નથી. પરંતુ આ યાદો તાજી થાય એવું કશુંક તહેવારમાં બનાવી લઉં છું. કારણ કે તહેવારોના ભોજનમાં ભાવના અને લાગણીઓ રહેલી છે.”ss1
