રાજકોટ તથા આસપાસનાં જિલ્લાઓમાં ભૂકંપના આંચકાઃ તીવ્રતા રિક્ટર સ્કેલ ૩.૪ નોંધાઈ
રાજકોટ, રાજકોટમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી દ્વારા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર સૌરાષ્ટ્રના ગોંડલથી ૨૪ કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું. રાજકોટ અને આસપાસના જિલ્લાઓમાં બપોરે ૧૨.૩૭.૪૨ વાગ્યે ભૂકંપનો અનુભવ થયો હતો.
ભૂકંપના આંચકા દરમિયાન ઘરોમાં ખુરશીઓ અને પંખા ધ્રુજતા જોવા મળ્યા હતા. લોકોએ પોતાના ઘરોમાં ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાની જાણ કરી છે. રાજકોટ શહેર, ગોંડલ, જસદણ, ધોરાજી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા. લોકો તેમના ઘરો, ઓફિસો અને સંસ્થાઓમાંથી બહાર દોડી આવ્યા હતા. જેના કારણે ક્ષણિક ગભરાટ ફેલાયો હતો.
જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા નથી. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે જેમાં ખુરશીઓ અને પંખા ધ્રુજતા જોવા મળ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતર્ક છે. ગુજરાત સરકારે લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ અસામાન્ય પરિસ્થિતિની તાત્કાલિક જાણ સ્થાનિક વહીવટીતંત્રને કરવા વિનંતી કરી છે.
