માનસિક બીમાર પિતાને વૃક્ષ સાથે બાંધીને પુત્રી અને સગીર પુત્રએ કરી હત્યા
AI Image
મૃતક સુખા મેડા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમાર હોવાથી પરિવારજનોને કહ્યા વગર ઘરની બહાર જતાં રહેતા હતા અને પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતા હતા. જેથી કંટાળીને આરોપી ભાઈ બહેને પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
રાજકોટ, રાજકોટના સણોસરા ગામ ખાતે ૫૦ વર્ષીય માનસિક બીમાર પિતાની સગી પુત્રી અને સગીર પુત્રએ હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ અંગે મૃતકના કાકાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી ભાઈ-બહેનની ધરપકડ કરી હતી. આ બાદ આરોપી દીકરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી. સમગ્ર મામલે મૃતકના કાકા બકુલ મેડાએ આરોપી કાજલ મેડા અને તેના સગીર ભાઈ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, મૃતક સુખા મેડા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમાર હોવાથી પરિવારજનોને કહ્યા વગર ઘરની બહાર જતાં રહેતા હતા અને પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતા હતા. જેથી કંટાળીને આરોપી ભાઈ બહેને પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મળતી માહિતી મુજબ, રાજકોટના સણોસરા ગામે ૨૨ ઓક્ટોબરના રોજ સગા ભાઈ-બહેને પોતાના ૫૦ વર્ષીય પિતા સુખા મેડાને વૃક્ષ સાથે બાંધીને લાકડી વડે માર માર્યો હતો.
આ ઘટનામાં સુખા મેડા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે તાત્કાલિક બંને ભાઈ-બહેનની ધરપકડ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે કાજલને પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી, તો તેના સગીર ભાઈને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરતા તેને બાળક સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
