દ્વારકામાં હંગામી ધોરણે બનાવેલ ગેટ તૂટી પડ્યો, દર્શનાર્થીઓમાં ગભરાટ ફેલાયો
તા. 24, ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં શુક્રવારે દર્શનાર્થીઓની ભારે ભીડને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વેકેશનને કારણે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલો હંગામી ગેટ દબાણ સહન ન કરી શકતા અચાનક તૂટી પડ્યો હતો.
આ ઘટનાને કારણે દર્શનાર્થીઓમાં ગભરાટ ફેલાયો અને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ગેટ તૂટવાની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં જ મંદિરના સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં કરી હતી અને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ભીડને નિયંત્રિત કરીને દર્શન વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. મળતી માહિતી મુજબ, દ્વારકાધીશ મંદિરમાં તહેવાર ટાણે લોકોને રજા હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે પહોંચી હતી. ત્યારે શુક્રવારે ૨૪ ઓક્ટોબરના રોજ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી.
