ચાલુ ગાડીએ યુવાનને ફટાકડા ફોડવાના ભારે પડશેઃ પોલીસે શોધખોળ ચાલુ કરી
રાજકોટમાં નબીરાએ ચાલુ કારે ફટાકડા ફોડતી રિલ બનાવી, જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં
રાજકોટ તા.૨૪ઃ દિવાળીના તહેવાર વચ્ચે રાજકોટમાં જાહેર રસ્તા પર કેટલાક નબીરાઓનો બેફામ આતંક સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાં બેઠેલો એક યુવાન ચાલુ કારે ફટાકડો સળગાવે છે અને પછી ગાડીની બારીમાંથી તેને બહાર જાહેર રસ્તા પર ફેંકી દે છે.
ફટાકડા ફોડવા અંગેનું પોલીસનું જાહેરનામું અમલમાં હોવા છતાં નબીરાઓએ તેની સરેઆમ અવગણના કરી હતી. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
જોકે, આ જોખમી સ્ટંટનો વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા જ તપાસ હાથ ધરી હતી. આ કૃત્યથી રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકાયા હતા. રાજકોટ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. માલવિયાનગર પોલીસે તાત્કાલિક વીડિયોના આધારે તપાસ હાથ ધરીને કાયદો હાથમાં લેનારા આ નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી હતી.
