એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકર ચૌધરી
(એજન્સી)પાલનપુર, એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરાઈ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ વરણી કરાઈ છે. ત્યારે શંકર ચૌધરી સતત ત્રીજી ટર્મમાં બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. આ સાથે જ શંકર ચૌધરીનો બનાસ ડેરી પર દબદબો જોવા મળ્યો છે .
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચેરમેનની આજે વરણી કરાઈ હતી. બનાસ ડેરીની બોર્ડ મિટિંગ બાદ ડેરીના નવા ચેરમેનની વરણી કરાઈ હતી. જેમાં સતત ત્રીજી ટર્મમાં બનાસ ડેરીમાં ચેરમેન પદે શંકર ચૌધરીની પસંદગી કરાઈ. આમ, લાભ પાંચમના પવિત્ર દિવસે બનાસ ડેરીને નવા ચેરમેન મળ્યા છે. ચેરમેનની વરણીની ચર્ચાઓને લઈ પશુપાલકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરી એ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો.
બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે. જેમાં અમુલ દૂધ, અમુલ માખણ, અમુલ ઘી, સાગર ઘી, અમુલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમુલ શક્તિ પાવડર, અમુલ આઇસક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદ દ્વારા બજારમાં મૂકાય છે.
બનાસ ડેરી ૧.૮ લાખ જેટલાં શેરધારકો ધરાવે છે. જે ૧૨૦૦ જેટલાં ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલા છે. હાલમાં બનાસ ડેરીના ચેરમેર તરીકે રાજ્યના પૂર્વ મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી કાર્યરત છે. જેઓના વિઝનરી નેતૃત્વના કારણે હાલમાં બનાસ ડેરીનો ખૂબ જ ઝડપી વિકાસ થઇ રહ્યો છે અને એકથી એક પ્રોજેક્ટ પણ સાકાર થઇને પશુપાલકો અને તેના શેરધારકોને વ્યાપક ફાયદો કરાવી રહ્યા છે.
