FIR દાખલ થયા પછી હવે પોલીસ કેસની વિગતો માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે
(એજન્સી)ગાંધીનગર, ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ ઘરે બેઠા એસએમએસ મારફતે આપવામાં આવી રહ્યા છે. રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે હવે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડતા નથી. આઈ-પ્રગતિ સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે.
રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મે-૨૦૨૫માં આઈ-પ્રગતિ પહેલ શરૂ કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ ફરિયાદ નોંધાવનારા નાગરિકોને તેમના કેસની પ્રગતિ વિશે ફરિયાદીના મોબાઈલ પર જ એસએમએસ મારફતે પારદર્શક અને સમયસર માહિતી પૂરી પાડવાનો છે.
આઈ-પ્રગતિ પહેલ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમ ફરિયાદીને ઓટોમેટિક જીસ્જી અપડેટ મોકલે છે, જેનાથી નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી.
આ પહેલ શરૂ કરી ત્યારથી એટલે કે તા.૧૪ મે, ૨૦૨૫ અત્યાર સુધી, આઈ-પ્રગતિ એ નાગરિકોને લાખોની સંખ્યામાં એસએમએસ મારફતે અપડેટ્સ મોકલી છે, જેમાં એફઆઈઆર દાખલ થઈ ગયા અંગે એસએમએસ, પંચનામા એસએમએસ, નોટિસ અંગે, આરોપીના જામીન અંગે, આરોપી ધરપકડ અંગે, મુદ્દામાલ રિકવર અંગે અને ચાર્જશીટ થયા અંગે જીસ્જી મોકલી નાગરિકોને સમયસર તેમના કેસ અંગે અપડેટ આપવામાં આવ્યા છે.
આ પહેલથી કાયદાકીય પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બની છે. આ પહેલથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કેસની પ્રગતિ વિશે પૂછપરછ કરતા નાગરિકોના પ્રશ્નોનો જવાબ આપવામાં લાગતા સમયનો બચાવ કરી શકે છે અને તેમનું ધ્યાન કેસની તપાસ પર કેન્દ્રિત કરી શકે છે. આ સિસ્ટમ થકી પોલીસ તંત્રમાં દરેક પ્રક્રિયાનો રેકોર્ડ રાખવામાં આવે છે, જે ઉચ્ચ અધિકારીઓને દેખરેખ રાખવામાં મદદ કરે છે.
નાગરિકોને થતા ફાયદા
પારદર્શકતા અને વિશ્વાસઃ આઈ-પ્રગતિ સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે.
સમય અને શક્તિનો બચાવઃ નાગરિકોએ તેમના કેસની પ્રગતિ જાણવા માટે પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા પડતા નથી, જેનાથી તેમના સમય અને શક્તિનો બચાવ થાય છે.
ઓટોમેટિક અપડેટ્સઃ આ સિસ્ટમ કેસ સંબંધિત દરેક મહત્ત્વપૂર્ણ તબક્કે (જેમ કે ધરપકડ, ચાર્જશીટ વગેરે) નાગરિકોને એસએમએસ દ્વારા આપોઆપ અપડેટ્સ મોકલે છે.
સુરક્ષા અને સંતોષઃ નાગરિકોને સતત અપડેટ મળતી રહેવાથી તેઓ સુરક્ષિત અને સંતુષ્ટ અનુભવે છે કે તેમના કેસ પર કામ ચાલી રહ્યું છે.
આઈ-પ્રગતિ પહેલ ગુજરાત પોલીસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે નાગરિક-કેન્દ્રિત સુશાસન અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે.
