Western Times News

Gujarati News

તમે મોઢામાંથી લાલ પિચકારી છોડવાનું બંધ કરો તો દર વર્ષે એક નવી વંદેભારત ટ્રેન મળે

Illustration: Ratna Sagar Shrestha

રેલવેના ડબ્બા પર પાનના ડાઘ સાફ કરવા માટે રૂ.૧ર૦૦ કરોડનો ખર્ચ

(એજન્સી) નવી દિલ્હી, મોદી સરકારે શું કર્યું, મનમોહન સરકારે શું ન કર્યું આવી જો કોઈ ચર્ચા ચાલે તો કૂદી પડવાવાળાઓની મોટી લાઈન છે, પણ ક્યારેય આપણે એક નાગરિક તરીકે કેવા છીએ, તે વિશે વિચારવાની તસ્દી લીધી છે. દેશને સાફ, સ્વસ્થ અને સુરક્ષિત રાખવાની જવાબદારી રાજા- રજવાડાઓના સમયે પણ સહિયારી હતી, તો આ તો લોકશાહી છે. અહીં જનતા પણ દેશની હાલત માટે એટલી જ જવાબદાર છે.

આટલી બધી હૈયાવરાળ કાઢવાનું કારણ છે એક આંકડો. આ આંકડો નાનોસૂનો નથી પણ છે રૂ.૧ર૦૦ કરોડ આ ૧,ર૦૦ કરોડ ભારતીય રેલવે દર વર્ષે ખર્ચે છે, તમારી સુવિધાઓ માટે નહી, પરંતુ તમે જે પાન-મસાલા- ગુટખા ખાઈને પિચકારીઓ છોડો છો તેને સાફ કરવા.

દર વર્ષે રેલવે હજારો ફેરી દેશના ખૂણે ખૂણે દોડાવી તમને તમારા ડેસ્ટિનેશન પર પહોંચાડે છે. ઘણા કિફાયતી દામમાં રેલવે જાહેર પરિવહનનું શ્રેષ્ઠ અને સૌથી લોકપ્રિય સાધન પુરું પાડે છે, પરંતુ બદલામા આપણે આપીએ છીએ ગંદકી અને ડાઘ. એક માહિતી પ્રમાણે રેલના ડબ્બા પર, વોશરૂમમાં પડતા ડાઘને સાફ કરવા માટે રેલવેએ રૂ.૧,ર૦૦ કરોડ રૂપિયા તો ખર્ચવા પડે છે, પરંતુ સાથે હજારો લીટર પાણી વેડફાય છે. આ સાથે સફાઈ કામદારો આવા ડાઘ સાફ કરી પોતાના આરોગ્યને જોખમમાં મૂકે છે.

એક વંદેભારત ટ્રેનના દસ ડબ્બા તૈયાર કરવા માટે રેલવેએ ૧ર૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે. જો નાગરિકો આ રીતે પાનની પિચકારીઓના ડાઘ રેલવેના ડબ્બા પર ન છોડે તો દર વર્ષે એક નવી ટ્રેન મળી જાય તેમ છે. આ રીતે પાનની પિચકારી છોડતા લોકો માટે રેલવેએ રૂ.પ૦૦નો દંડ પણ રાખ્યો છે, પરંતુ રેલવેની જગ્યા એટલી મોટી હોય છે કે દેરક માણસ પર નજર રાખવી અઘરી છે.

એક તો પાન-મસાલા ખાઈ લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આવા લોકો પરિવાર અને આસપાસના લોકોને પણ બીમારીને હવાલે કરે છે. આ સાથે પૈસાનો ખોટો બગાડ થાય છે અને સમગ્ર દેશની સ્વચ્છતા અને સુંદરતાને હાનિ પહોંચાડે છે. હવેથી સરકારને દોષ આપ્યા પહેલા પોતાની જાતને પણ નાગરિક તરીકે મૂલવવાની દરકાર કરજો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.