Western Times News

Gujarati News

ભગવદ ગીતા આધુનિક વિશ્વ માટે ‘જ્ઞાનરૂપી અમૃત’: ચીની વિદ્વાનો

ગીતા પ્રાચીન ભારતીય યુદ્ધભૂમિનો એક સંવાદ છે,જે ૫,૦૦૦ વર્ષ જૂનો છે

બેઇજિંગમાં આયોજિત એક પરિસંવાદમાં હિન્દુ ધર્મગ્રંથને ભારતીય ફિલસૂફીનો જ્ઞાનકોશ પણ ગણાવ્યો

બેઇજિંગ, હિન્દુ ધર્મગ્રંથ ભગવદ ગીતાની ભરપૂર પ્રશંસા કરતાં ચીનના જાણીતા વિદ્વાનોએ જણાવ્યું હતું કે ભગવદ ગીતા ‘જ્ઞાનરૂપી અમૃત’ અને ભારતીય સંસ્કૃતિનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. તે આધુનિક સમયમાં લોકોની તમામ આધ્યાત્મિક અને ભૌતિક દુવિધાના જવાબો આપે છે. બેઇજિંગમાં શનિવારે ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ‘ભારતીય દાર્શનિક પરંપરાઓના સંગમ’ વિષય પર એક પરિસંવાદમાં ભગવદ ગીતા પર બોલતા ચીની વિદ્વાનોએ ગીતાને ભારતની ફિલસૂફીનો જ્ઞાનકોશ ગણાવીને જણાવ્યું હતું કે તે ભૌતિક અને આધ્યાત્મિક કાર્યાે વચ્ચે સુમેળ પ્રાપ્ત કરવાની અમર આંતરદૃષ્ટિ પૂરી પાડે છે.

ભગવદ ગીતાનો ચીની ભાષામાં અનુવાદ કરનારા ૮૮ વર્ષીય પ્રોફેસર ઝાંગ બાઓશેંગે જણાવ્યું હતું કે ગીતા એક આધ્યાત્મિક મહાકાવ્ય અને ભારતની ફિલસૂફીનો જ્ઞાનકોશ છે. તેનો અનુવાદ જરૂરી હતો, કારણ કે તે ભારતના આધ્યાત્મિક દૃષ્ટિકોણ, તેની ફરજ, કર્મ અને વૈરાગ્યના વિચારો પ્રગટ કરે છે, જે આજે પણ ભારતીય જીવનનું ઘડતર કરે છે. ઝેજિયાંગ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઓરિએન્ટલ ફિલોસોફી રિસર્ચના ડિરેક્ટર પ્રોફેસર વાંગ ઝી-ચેંગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગીતા પ્રાચીન ભારતીય યુદ્ધભૂમિનો એક સંવાદ છે,જે ૫,૦૦૦ વર્ષ જૂનો છે, પરંતુ તે આજે પણ આધુનિક જીવનની જટિલતાઓ અને ચિંતાઓનો ઉકેલ આપે છે.

ભગવદ ગીતા જ્ઞાનરૂપી અમૃત છે. ભગવાન શ્રીકૃષ્ણના જવાબો ભગવદ ગીતાના ૭૦૦ શ્લોકોમાં અંકિત થયેલા છે. આ શબ્દો જૂના સિદ્ધાંતો નથી, પરંતુ હજારો વર્ષાેથી ચાલી આવતી ‘આધ્યાત્મિક ચાવીઓ’ છે. જીવનની સમસ્યાઓના ઉકેલ માટે તેમાં મુખ્ય ત્રણ ઉપદેશો છે, જેમાં કર્મયોગ, સાંખ્યયોગ અને ભક્તિયોગનો સમાવેશ થાય છે. આ ઉપદેશો આધુનિક જીવન માટે માર્ગદર્શક છે.

શેનઝેન યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ડિયન સ્ટડીઝના ડિરેક્ટર પ્રોફેસર યુ લોંગ્યુએ જણાવ્યું હતું કે વિવિધ ચીની વિદ્વાનો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાંથી મુખ્ય મુદ્દાઓ એ બહાર આવ્યા છે કે એક મહાન સંસ્કૃતિ તરીકે ભારત એક ઊંડો સાંસ્કૃતિક અને ફિલસૂફી વારસો ધરાવે છે. તેનો ઊંડો અભ્યાસ અને પ્રસાર જરૂરી છે. આધુનિક સમયમાં ચીનના અગ્રણી વિદ્વાનોએ ઘણીવાર ચીની, પશ્ચિમી અને ભારતીય તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યાે છે. હું ચીની વિદ્વાનોને ભારતીય સંસ્કૃતિનો સમર્પણ સાથે અભ્યાસ કરવા હાકલ કરું છે. ભારતીય સંસ્કૃતિ ભારત-ચીન સંવાદિતા અને વિશ્વમાં શાંતિમાં યોગદાન આપી શકે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.