૨૧મી સદી ભારત અને ASEAN દેશોનીઃ મોદી
૨૦૨૬ને ASEAN-ભારત દરિયાઈ સહયોગ વર્ષ જાહેર કર્યું
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની બીજી ટર્મમાં પ્રથમ વાર ASEAN સમીટમાં હાજર આપી હતી
નવી દિલ્હી, ભારત-ASEAN વાર્ષિક શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત અને ASEAN દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક મજબૂત પાયા તરીકે ઉભરી રહી છે. મોદીએ ૨૦૨૬ને ASEAN-ભારત દરિયાઈ સહયોગ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. પ્રધાનમંત્રીએ ASEANના નવા સભ્ય તરીકે તિમોર-લેસ્ટેનું પણ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મલેશિયાના વડાપ્રધાનને જણાવ્યું હતું કે આ વર્ષના સુધી અંત સુધીમાં આસિયન-ભારત વેપાર સોદો થશે.
ઇન્ડો પેસિફિકમાં આશિયન દેશોના મહત્ત્વને નવી દિલ્હીના મજબૂત સમર્થનનો પુનરુચ્ચાર કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ASEAN દેશો વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે ફક્ત સહિયારી ભૂગોળ જ ધરાવતા નથી, પરંતુ આપણે ઊંડા ઐતિહાસિક સંબંધો અને સહિયારા મૂલ્યોથી પણ બંધાયેલા છીએ.ASEANના અધ્યક્ષ તરીકે મલેશિયા કુઆલાલમ્પુરમાં વાર્ષિક ASEAN સમિટ અને સંબંધિત બેઠકોનું આયોજન કરી રહ્યું છે.
ASEANને આ પ્રદેશમાં સૌથી પ્રભાવશાળી સંગઠન માનવામાં આવે છે. ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશો તેના સંવાદ ભાગીદારો છે.મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ASEAN-ભારત વેપાર કરાર (AITIGA)માં કેટલીક વાસ્તવિક પ્રગતિ થઈ છે અને ASEAN દેશો આ વર્ષ સુધીમાં તેને કરાર પૂર્ણ કરવા માંગે છે.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આપણે ગ્લોબલ સાઉથમાં સાથીદારો છીએ. આપણે ફક્ત વ્યાપારી ભાગીદારો જ નહીં પણ સાંસ્કૃતિક ભાગીદારો પણ છીએ.
ASEAN ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો આધારસ્થંભ છે. ભારતે હંમેશા ASEAN દેશોની કેન્દ્રીય ભૂમિકા અને ઇન્ડો-પેસિફિકમાં ASEANના વિઝનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અનિશ્ચિતતાના આ યુગમાં પણ ભારત-ASEAN વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સતત પ્રગતિ કરી રહી છે. આ મજબૂત ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક મજબૂત પાયા તરીકે ઉભરી રહી છે. બંને પક્ષો શિક્ષણ, પર્યટન, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય, ગ્રીન એનર્જી અને સાયબર સુરક્ષાના ક્ષેત્રોમાં સહયોગને સતત આગળ વધારી રહ્યા છે.
સહિયારા સાંસ્કૃતિક વારસાને જાળવવા અને લોકોથી-લોકોના સંબંધોને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મોદીએ જણાવ્યું હતું કે ૨૧મી સદી આપણી સદી છે, ભારત અને ASEANની સદી. મને વિશ્વાસ છે કે ASEAN કોમ્યુનિટી વિઝન ૨૦૪૫ અને વિકસિત ભારત ૨૦૪૭નું લક્ષ્ય સમગ્ર માનવતા માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. ભારત આ દિશામાં ખભે ખભા મિલાવીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત દરેક આપત્તિમાં તેના ASEAN મિત્રો સાથે મજબૂત રીતે ઊભું રહ્યું છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની બીજી ટર્મમાં પ્રથમ વાર ASEAN સમીટમાં હાજર આપી હતી અને ટ્રેડડીલ અને શાંતિરક્ષક તરીકે પોતાની પ્રતિષ્ઠા બનાવવાના પ્રયાસ કર્યા હતાં. ASEAN દેશોનું કુલ અર્થતંત્ર ૩.૮ ટ્રિલિયન ડોલરનું છે અને તે વિશ્વમાં ૬૮ કરોડ લોકોનું પ્રતિધિત્વ કરે છે. તેથી ટ્રમ્પે આ દેશો સાથે સંબંધોને ફરીથી મજબૂત કરવાના પ્રયાસો કર્યા હતાં.SS1
