ગુજરાતના ૧૫૨ તાલુકામાં માવઠું, મહુવામાં ૭.૬૮ ઇંચ વરસાદ
File Photo
દિવાળી બાદ ‘અષાઢી માહોલ’!
ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું
અમદાવાદ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા દિવાળી બાદ રાજ્યમાં માવઠાની આગાહી કરી હતી, ગઇકાલથી જ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનો આરંભ થઈ ગયો હતો. જો કે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન રાજ્યના ૧૫૨ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો અને જાણે અષાઢ મહિનો હોય તેમ ભાવનગર જિલ્લાના મહુવામાં ૭.૬૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ૬ વાગ્યા સુધીમાં ૧૫૨ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં ૭.૬૮ ઇંચ નોંધાયો હતો. જ્યારે સિહોરમાં ૫.૦૪ ઇંચ, સોનગઢમાં ૩.૯૪ ઇંચ, જાફરાબાદમાં ૩.૭૪ ઇંચ, ઉના અને ઉમરપાડામાં ૩.૬૬ ઈચ, સુત્રાપાડામાં ૩.૧૧ ઇંચ, રાજુલામાં ૩.૦૩ ઇંચ, પાલિતાણામાં ૨.૯૯ ઇંચ, ડેડીયાપાડામાં ૨.૯૧ ઇંચ, ભાવનગરમાં ૨.૮૩ ઇંચ અને જેસરમાં ૨.૬૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તે સિવાયના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી ત્રણ કલાક મત ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ જૂનાગઢ, સુરત, વલસાડ, વડોદરા સહિત કુલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.SS1
