Western Times News

Gujarati News

સુરતમાં રજિસ્ટ્રાર કચેરીઓને દિવાળી ફળી ! ગત વર્ષની સરખામણીએ ૨૩૭૩ દસ્તાવેજ વધુ નોંધાયા

સ્ટેમ્પ ડયૂટીની આવક ૨૪૦.૫૭ કરોડ નોંધાઈ

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ૨૫ કરોડ અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં ૩.૪૪ કરોડ રૂપિયાની વધારો જોવા મળ્યો

સુરત, સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીઓને દિવાળી ફળી હતી. દિવાળી પહેલાના ૧૫ દિવસમાં નોંધણી થયેલી મિલકતના દસ્તાવેજની સંખ્યા ઉપર નજર કરીએ તો ગત વર્ષ કરતાં આ દિવાળીએ ૨૩૭૩ મિલકતના દસ્તાવેજ વધુ નોંધણી થયા છે. આ સાથે જ સબ રજિસ્ટ્રાર કચેરીને સ્ટેમ્પ ડ્યૂટી પેટે ૨૪૦.૫૭ કરોડ અને રજિસ્ટ્રેશન ફી પેટે ૪૧.૦૨ કરોડ રૂપિયાની આવક થઈ છે. દરમિયાન ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ૨૫ કરોડ અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં ૩.૪૪ કરોડ રૂપિયાની વધારો જોવા મળ્યો હતો.

સુરત શહેરમાં નવરાત્રી અને શ્રાદ્ધ સમયે મિલકતના દસ્તાવેજની નોંધણીમાં ઓટ જોવા મળી હતી. સામાન્ય રીતે દિવસમાં જેટલા દસ્તાવેજની નોંધણી થાય તેના કરતા પણ ઓછા દસ્તાવેજ નવરાત્રી અને શ્રાદ્ધ સમયે નોંધાયા હતા. રિયલ એસ્ટેટમાં આંશિક મંદીના એંધાણ વચ્ચે દિવાળી આવતા જ રિયલ એસ્ટેટની ગાડી પુરપાટ ઝડપે દોડવા માંડી હતી. દિવાળી પહેલા ૧૯મી સપ્ટેમ્બરથી ૧૦મી ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં સુરત શહેર અને જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ૩૦,૭૩૦ મિલકતના દસ્તાવેજની નોંધણી થઈ હતી.

જ્યારે ૨૦૨૪માં દિવાળીના આ જ સમયગાળા દરમિયાન એટલે કે ૩૦ નવેમ્બરથી ૩૧મી ઓક્ટોબર સુધીમાં ૨૮,૩૫૭ મિલકતના દસ્તાવેજની નોંધણી થઈ હતી. એટલે કે આ વર્ષે ૨૩૭૩ મિલકતના દસ્તાવેજ વધુ નોંધણી થયા છે. દસ્તાવેજ નોંધણીમાં ઉછાળો જોવા મળતાં કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ટોકનની સંખ્યા વધારવામાં આવી હતી. ખાસ કરીને કતારગામ, નવાગામ અને અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. હવે ફરી એકાદ મહિનો દસ્તાવેજ નોંધણીમાં ઓટ જોવા મળી શકે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.