સાબરકાંઠાના પોશીનાના પ્રખ્યાત ‘માટીના ઘોડા’ની અનોખી પરંપરા
માટીના ઘોડા કલાકૃતિ આદિવાસી સમાજની ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક
પોશીના તાલુકામાં આ પરંપરા મુખ્યત્વે દિવાળીના દિવસથી લઈને લાભ પાંચમ સુધી વિશેષરૂપે ઉજવવામાં આવે છે
પોશીના,ગુજરાત રાજ્યની સંસ્કૃતિ અને પરંપરા અનેકવિધ રંગોથી ભરેલી છે. આવી જ એક અનોખી અને વર્ષાે જૂની પરંપરા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં જોવા મળે છે, જે ‘માટીના ઘોડા’ અથવા ‘ટેરાકોટા હોર્સ’ માટે દેશભરમાં વિખ્યાત છે. પોશીના અને તેના ગ્રામીણ વિસ્તારોમાં આ માટીના ઘોડા માત્ર એક કલાકૃતિ નથી, પણ સ્થાનિક આદિવાસી સમાજની ઊંડી ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક છે.
અહીંના લોકો આખા વર્ષ દરમિયાન જે પણ માનતા કે બાધા રાખે છે, તે પૂર્ણ થાય ત્યારે દેવી-દેવતાના સ્થાનકો પર આ માટીના ઘોડા ચડાવવામાં આવે છે. આ પ્રથા વર્ષાેથી ચાલી આવેલી તેમની આસ્થા અને ધર્મ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. આદિવાસી સમાજ પોતાના જીવનના વિવિધ પાસાંની રક્ષા માટે આ ઘોડાઓ અર્પણ કરે છે. પછી તે સ્વરક્ષા હોય, ખેતીવાડીની રક્ષા હોય કે પશુઓની રક્ષા માટેની પ્રાર્થના હોય. લોકો તુંબરાજ બાવજી, ભાખર બાવજી, કરૂ બાવજી, અંઘાસી માતા, ડેમી માતા, ભાડેર બાવજી અને રખવાળ બાવજી સહિતના અનેક દેવ-દેવીઓને આ માટીના ઘોડા ચડાવીને નવા વર્ષે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે.
પોશીના તાલુકામાં આ પરંપરા મુખ્યત્વે દિવાળીના દિવસથી લઈને લાભ પાંચમ સુધી વિશેષરૂપે ઉજવવામાં આવે છે. આ દિવસો દરમિયાન આદિવાસી સમાજ પોતાની વર્ષાે જૂની પરંપરા મુજબ દેવી-દેવતાના સ્થાનકો પર આ માટીના ઘોડા ચડાવે છે. આ સમયગાળામાં, ભાખર બાવજી, અંગારી માતા, ડેમી માતા અને શીતળા માતા સહિતના દેવસ્થાનોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક ઘોડાઓ અર્પણ કરીને પૂજા-અર્ચના કરે છે અને સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે.SS1
