અરશદ વારસીએ ‘મુન્ના ભાઈ ૩’ પર લગાવી મહોર
મુન્ના અને સર્કિટની જોડી ફરી જોવા મળશે
ગત વર્ષે એક કાર્યક્રમમાં રાજકુમાર હિરાણીએ પણ પુષ્ટિ કરી હતી કે તેઓ ‘મુન્ના ભાઈ ૩’ ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે
મુંબઈ,રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત અને હિન્દી સિનેમાની સૌથી યાદગાર ફ્રેન્ચાઇઝીમાંની એક, ‘મુન્ના ભાઈ’ સિરીઝના ચાહકો માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. ‘મુન્ના ભાઈ એમ.બી.બી.એસ.’ અને ‘લગે રહો મુન્ના ભાઈ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર સંજય દત્ત (મુન્ના) અને અરશદ વારસી (સર્કિટ) ની આઇકોનિક જોડી ફરી એકવાર મોટાપડદે જાદુ ફેલાવવા તૈયાર છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં અરશદ વારસીએ સંજય દત્ત સાથેના પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે સંજય દત્તને એક શાનદાર અભિનેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની સાથે કામ કરવું હંમેશા મનોરંજક રહ્યું છે.“પહેલા તો આ ફિલ્મ બની રહી નહોતી, પરંતુ હવે રાજુ (રાજકુમાર હિરાણી) આના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, અને લાગે છે કે હવે ફિલ્મ ચોક્કસપણે બનશે. ચાહકોએ આ ફિલ્મની આતુરતાથી રાહ જોવી જોઈએ, કારણ કે તે અગાઉની બંને ફિલ્મો કરતાં પણ વધારે સારી બનવા જઈ રહી છે.”
અરશદ વારસીના આ નિવેદનને એક વર્ષ પહેલાં રાજકુમાર હિરાણીએ આપેલા નિવેદનથી સમર્થન મળે છે. ગત વર્ષે એક કાર્યક્રમમાં રાજકુમાર હિરાણીએ પણ પુષ્ટિ કરી હતી કે તેઓ ‘મુન્ના ભાઈ ૩’ ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “સૌથી જરૂરી વાત એ છે કે નવો ભાગ અગાઉની ફિલ્મોથી સારો હોવો જોઈએ. હવે મારી પાસે એક ખાસ આઇડિયા છે, જેના પર હું કામ કરી રહ્યો છું.”સંજય દત્ત અને અરશદ વારસીની આ જાદુઈ જોડી અને રાજકુમાર હિરાણીનું દિગ્દર્શન ફરી એકવાર મોટા પડદા પર કમાલ કરે તેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.SS1
