સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ની જાહેરાત
07 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ચૂંટણી કમિશનર ડૉ. સુખબિર સિંહ સંધુ તેમજ શ્રી વિવેક જોશીની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે.
SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા. 09/12/2025ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા. 09/12/2025થી 08/01/2026 સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. 31/01/2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.07/02/2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આગાઉ થયેલ SIRને અનુસંધાને તા. 01/01/2002ને લાયકાત યોગ્ય ગણવામાં આવશે. 2002-2004માં યોજાયેલ આખરી SIRની મતદાર યાદીમાં નાગરિકો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી NCC જેવા સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. આ તકે પ્રતિબુથ 1200 મતદારોની પહેલની અમલવારીના ભાગ સ્વરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરી એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે ફેઝ -01ની જેમ ફેઝ-02માં પણ સુચારુ આયોજન કરી સમગ્ર પ્રક્રિયાના અંતે ‘ઝીરો અપીલ‘ના ધ્યેય સાથે SIR યોજવા પર ભાર મુક્યો હતો.
