Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં સ્પાનાં નિયમન અને નિયંત્રણ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

Ahmedabad, અમદાવાદ શહેરમાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્ત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે, તેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં સ્પા/મસાજ પાર્લરોના માલિકો તેમજ આવા સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડિંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરિયામાં ફરજિયાત રાખવાનું રહેશે.

તેમજ ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોર્ડિંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે. અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસરે રજિસ્ટર નિભાવવાનું રહેશે.

આ રજિસ્ટરમાં સ્પા/મસાજ પાર્લર, એકમનું નામ, માલિક/સંચાલકનું નામ તથા સરનામું  ટેલિફોન નંબર, સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટો સહિત). હાલનું સરનામું, મૂળ વતનનું સરનામું, ફોન નંબર ( ઘર ) – ઓફિસ- મોબાઇલ નંબર. જો તેઓ વિદેશી હોય તો – પાસપોર્ટની વિગત (પાસ પોર્ટ/વિઝાની નકલ બીડવાની રહેશે.), ક્યા વિઝા પર ભારતમાં આવેલ છે તેની વિગત :- હાલનું સરનામું, ફોન નંબર ( ઘર ) – ઓફિસ- મોબાઇલ નંબર સહિતની વિગતો દર્શાવવાની રહેશે.

સ્પા / મસાજ પાર્લર ચલાવનાર/સંચાલકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. કામ કરતા કર્મચારીઓનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત, પોલીસ સ્ટેશનના સહી- સિકકા અને તારીખ. સ્પા/મસાજ પાર્લર ચલાવનાર/ સંચાલકની સહી, કામ કરતા કર્મચારીની સહી, સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત રાખવાની રહેશે.

આ વિગત કોરા કાગળ પર લખાવવાની રહેશે. સંપૂર્ણ રીતે ભરીને સ્પા/મસાજ પાર્લર જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. વિગત સંપૂર્ણ ભર્યા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. બન્ને નકલ જે તે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેની એક નકલ રિસીવ સહી- સિકકા કરી પરત આપશે, જે સાચવી રાખવાની રહેશે. સ્પા/મસાજ પાર્લર ચલાવનારે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ ,પાનકાર્ડ / આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ રજૂ કરવાનું રહેશે.

આ જાહેરનામું તા.૨૮/૧૦/૨૦૨૫ના કલાક ૦૬.૦૦થી તા.૨૬/૧૨/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ (બંને દિવસો સહીત) ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.