બસ સ્ટેન્ડ પર વધતી જતી રિક્ષાચાલકોની દાદાગીરીઃ બસ ડ્રાઈવર પર પથ્થરમારો
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર આણંદથી આવી રહેલા બસ ડ્રાઈવર સાથે રિક્ષાચાલકે દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર બેફામ રિક્ષા પાર્ક કરવામાં આવી હતી.
આણંદથી બસ લઈને આવેલ ડ્રાઈવરે રિક્ષા હટાવવાનું કહેતા રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ ડ્રાઈવરને અપશબ્દો બોલ્યા હતા જે બાદ રિક્ષામાં પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે રોષે ભરાઈ બસ ડ્રાઈવર પર પથ્થર ફેંકતા બસનો કાચ તૂટી ગયો હતો. જેથી અન્ય બસના ડ્રાઈવર અને કન્ડકટર દોડી આવતા અજાણ્યો શખ્સ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જો કે, રિક્ષા ચાલકને પકડી પોલીસને જાણ કરવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી અન્ય અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ગીતા મંદિર બસ સ્ટેન્ડ બેફામ રિક્ષા પાર્ક થતી હોવાથી ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાય છે. તેમજ જો કોઈ રિક્ષાચાલકને સાઈડમાં ઊભા રહેવાનું કહે છે તો રિક્ષાચાલકો દાદાગીરી પર ઉતરી આવે છે ત્યારે વધુ એકવાર બેફામ રિક્ષાચાલકની દાદાગીરી સામે આવી છે.
ભાનુભાઈ ઠાકોર નામનો ડ્રાઈવર આણંદથી અમદાવાદ રૂટની બસ ચલાવે છે. જ્યારે ગઈકાલે જીજે૧૮ ઝેડ ૭રપ૭ નંબરની સરકારી બસ લઈને ભાનુભાઈ ઠાકોર અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પહોંચતા એક રિક્ષાચાલકે એન્ટ્રી ગેટ પર બેફામ રીતે રિક્ષા પાર્ક કરી હતી જેથી અંદર જવાનો રસ્તો બંધ થઈ જતા બસ ડ્રાઈવર ભાનુભાઈ ઠાકોરે રિક્ષા ચાલકને રિક્ષા સાઈડમાં હટાવવા માટે કહ્યું હતું.
રિક્ષા હટાવવાનું કહેતા જ રીક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો જે ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે બસ ડ્રાઈવરને જાહેરમાં અપશબ્દો પણ બોલ્યા હતા જે સમયે રિક્ષામાં પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે રોષે ભરાઈ બસ ડ્રાઈવર પર પથ્થર ફેંકયો હતો. સદનસીબે બસનો ડ્રાઈવર બચી ગયો હતો.
પરંતુ પથ્થર ડ્રાઈવર સાઈડના દરવાજા કાચ પર અથડાતા કાચ તૂટી ગયો હતો જેથી તરત જ અન્ય બસના ડ્રાઈવર અને કન્ડકટર દોડી આવતા અજાણ્યો શખ્સ પથ્થરમારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પરંતુ રિક્ષાચાલકને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી પૂછપરછ કરતાં તેનું નામ સંજય ભીલ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો દાખલ કર્યો છે.
