રખડતાં કૂતરાં મુદ્દે વિશ્વમાં ભારતની છબિ ખરડાઈ રહી છે : સુપ્રીમ કોર્ટ
તમામ મુખ્ય સચિવો ૩ નવેમ્બરે હાજર રખાશે
સર્વાેચ્ચ અદાલતે સોગંદનામું રજૂ નહીં કરનારા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોની આકરી ઝાટકણી કાઢી
નવી દિલ્હી,રખડતાં કૂતરાંઓના મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળ અને તેલંગાણાને બાદ કરતાં તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોની એફિડેવિટ ફાઈલ નહીં કરવા બદલ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, માત્ર પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી નગરપાલિકાએ જ કમ્પ્લાયન્સ એફિડેવિટ ફાઈલ કરી છે. બંગાળ અને તેલંગાણાને બાદ કરતા સુપ્રીમે અન્ય તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ૩ નવેમ્બરના રોજ હાજર થવા નિર્દેશ આપ્યા છે.
૨૨ ઓગસ્ટના કોર્ટે રાજ્યો/કેન્દ્ર શાસિક પ્રદેશોને કમ્પ્લાયન્સ એફિડેવિટ ફાઈલ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. આ મુદ્દે સોમવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદિપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની ખંડપીઠે નોંધ્યું કે બે રાજ્યો તથા દિલ્હી નગરપાલિકા સિવાય અન્ય કોઈએ સોગંદનામું દાખલ કર્યું નથી.આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતા જસ્ટિસ વિક્રમ નાથે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ ફટકારરી હતી. જસ્ટિસ વિક્રમ નાથે જણાવ્યું કે, રખડતાં કૂતરાંઓ કરડવાના અનેક બનાવો બની રહ્યા છે. આનાથી અન્ય દેશોમાં ભારતની છબિ ખરાબ થઈ રહી છે. આ અંગેના અહેવાલો પણ અમે વાંચી રહ્યા છીએ.
જસ્ટિસ નાથે એડિશનલ સોલિસિટર જનરલ અર્ચના પાઠકને એવો પ્રશ્ન પણ કર્યાે કે, દિલ્હી સરકારે શા માટે સોગંદનામું દાખલ નથી કર્યું. જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે, એનસીટીએ શા માટે એફિડેવિટ ફાઈલ નથી કરી? મુખ્ય સચિવે આ બાબતે સ્પષ્ટતા આપવી પડશે, અન્યથા કોર્ટ કોસ્ટ લગાવશે અને કડક પગલાં લેશે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ પાઠવવામાં આવી હતી. તમામ મુખ્ય સચિવો ૩ નવેમ્બરે હાજર રહે, નહીં તો ઓડિટોરિયમમાં કોર્ટ યોજાશે.ss1
