રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે ૯૦૦૦થી વધુ લોકો માટે ડોમમાં રહેણાંક સુવિધા તૈયાર કરાઈ
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ : સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ –રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈ એકતાનગરમાં વિશાળ તૈયારીઓ પૂર્ણઃ મુલાકાતીઓ માટે આરામદાયક ડોમ અને સુવિધાસભર વ્યવસ્થાઓ
નોંધણી કાઉન્ટર, પ્રાથમિક સારવાર સેન્ટર અને શૌચાલય બ્લોક્સ દ્વારા તંત્રની સંકલિત તૈયારી –રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે એકતાનગર ઝગમગ બન્યું, પ્રવાસીઓમાં ઉત્સાહ
Ahmedabad, ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઉજવાતી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈ એકતાનગર તૈયાર છે. દેશભરના આમંત્રિતો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાને સુવિધા મળી રહે તે માટે વિશાળ તાત્કાલિક વસવાટની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
કોયારી-ગરૂડેશ્વર મામલતદાર કચેરી પાસે બનાવાયેલા ડોમોમાં રહેણાકથી લઈ ભોજન સુધીની સુવિધાઓ ઉપલબ્ધ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ ૧૧ ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી ૭ ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓથી આવતા નાગરિકો માટે, ૨ ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા ૨ ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે. આ ડોમોમાં કુલ ૯૦૧૪ લોકોની અને ૧૪૦૦ પોલીસકર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ છે.
ડોમોમાં આરામદાયક પથારી, ચાર્જિંગ પોઇન્ટ, બેગ રાખવા માટે સ્ટેન્ડ, સ્વચ્છ બાથરૂમ અને ન્હાવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પુરુષ અને મહિલા માટે અલગ ડોર્મિટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. દરેક ડોમમાં વેન્ટિલેશન અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી છે.
નોંધણી અને આરોગ્ય કાઉન્ટર દ્વારા સહાયતા
એકતાનગર ખાતે નોંધણી કાઉન્ટર અને પ્રાથમિક સારવાર કાઉન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં આવતા મહેમાનોની નોંધણી સાથે જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
સ્વચ્છતા અને શૌચાલય વ્યવસ્થાનું વિશેષ ધ્યાન
પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક શૌચાલય બ્લોક્સ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. પાણી, લાઇટ અને સફાઈની સતત વ્યવસ્થા સાથે સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે.
ઉપરાંત, ૧૭૪ બસો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેથી પરિવહનમાં કોઈ અડચણ ન રહે. તમામ ડોમ અને સુવિધા સ્થળોએ રંગીન ફેબ્રિક કવરિંગ, પૂરતો પ્રકાશ અને સજાવટ સાથે એકતાનગરમાં તહેવારમય વાતાવરણ છવાઈ ગયું છે.
રાષ્ટ્રીય એકતા દિવસની આ ભવ્ય ઉજવણીમાં આવતા દરેક મહેમાનને સુવિધા અને આરામની અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકારે તંત્ર સાથે મળી સુવ્યવસ્થિત આયોજન કર્યું છે.
