બાંગ્લાદેશે ભારતના પૂર્વના રાજ્યોને પોતાના દર્શાવતો નક્શો બનાવી દીધો
બાંગ્લાદેશે ઝાકિર નાઇક માટે લાલ જાજમ પાથરી
બાંગ્લાદેશના પ્રવાસે આવેલાં પાકિસ્તાન જનરલ સાહિર શમશાદ મિર્ઝાને નકશો ભેટમાં આપ્યો
ઢાકા,બાંગ્લાદેશના કાર્યકારી પ્રમુખ મોહમ્મદ યુનુસે પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝાને એક વિવાદાસ્પદ નક્શો ભેટમાં આપ્યો છે, જેમાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવવામાં આવ્યા છે, આ વાતને લઈને વિવાદ ઊભો થયો છે.જનરલ સાહિર શમશાદ મિર્ઝા અને મોહમ્મદ યુનુસ શનિવારે મોડી રાત્રે મળ્યા હતા, ભારતીય વિદેશ મંત્રાલયે હજુ સુધી આ વિવાદ પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. યુનુસે પાકિસ્તાની અધિકારીને ‘ધ આર્ટ ઓફ ટ્રાયમ્ફ’ નામનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. આ પુસ્તકના કવર પર છપાયેલા બાંગ્લાદેશના નક્શાને કારણે વિવાદ ઊઠ્યો છે. પુસ્તકના કવરમાં ઉત્તરપૂર્વના સાત રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવાયા છે.
કટ્ટરપંથી ઈસ્લામિક જૂથો આ નક્શાને ગ્રેટર બાંગ્લાદેશ તરીકે રજૂ કરે છે.પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝા ૨૪ ઓક્ટોબરના છ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ઢાકા પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે બાંગ્લાદેશના નેતા મોહમ્મદ યુનુસ સહિત વરિષ્ઠ લશ્કરી અને નાગરિક નેતાઓ સાથે સંરક્ષણ તથા સુરક્ષા સહયોગ વધારવા અંગે વાતચીત કરી હતી. ૧૯૭૧ના મુક્તિ સંગ્રામ બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધઓ ઐતિહાસિક રીતે સંઘર્ષપૂર્ણ રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં નિકટતા જોવા મળી રહી છે. બાંગ્લાદેશે આ વિવાદિત નક્શામાં આસામ સહિત કેટલાક પૂર્વાેત્તરના રાજ્યોને બાંગ્લાદેશનો હિસ્સો ગણાવ્યા હતા.
યુનુસે પાક. જનરલ સાથેની તસવીરો ટ્વીટ કરી હતી. યુનુસની પોસ્ટ બાદ કેટલાક વિશ્લેષકો અને પત્રકારોએ સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશના નેતા પર ભારતના સાર્વભૌમ ક્ષેત્ર પર વગર આમંત્રણે દખલ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશમાં શેખ હસિનાના નેતૃત્વ હેઠળની આવામી લીગ સરકારનું હિંસક વિદ્યાર્થી આંદોલન બાદ પતન થયું હતું. ત્યારપછી યુનુસે કાર્યકારી પ્રમુખનું પદ સંભાળતા બાંગ્લાદેશ-પાકિસ્તાનના સંબંધો સુધર્યા હતા. યુનુસે ભારતના પૂર્વાેત્તરના રાજ્યોનો ઉલ્લેખ કર્યાે હોય તેવી આ પ્રથમ ઘટના નથી. એપ્રિલમાં યુનુસે તેની પ્રથમ ચીન યાત્રામાં જણાવ્યું હતું કે, પૂર્વાેત્તર ભારત જમીનથી ઘેરાયેલું હોવાથી બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં દરિયાનું એકમાત્ર સંરક્ષક છે.
આમ તેમણે ચીનને આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા પ્રોત્સાહિત કર્યું હતું.બાંગ્લાદેશના પૂર્વ વડપ્રધાન શેખ હસીનાએ ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા અને ભાગેડુ ઝાકિર નાઈક પર નવ વર્ષ સુધી પ્રતિબંધ મૂક્યો હતો. જો કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની કાર્યકારી સરકાર વિવાદિત ઈસ્લામિક ઉપદેશક અને ભારતમાં વોન્ટેડ ઝાકિર નાઇકનું આગામી મહિને ભવ્ય સ્વાગત કરવા તૈયારી કરી રહી છે.
કટ્ટરપંથી ભાષણો તથા વિવાદાસ્પદ ટિપ્પણી માટે જાણીતા નાઇક ૨૮ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી સૌપ્રથમ વખત બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. ઝાકિર નાઇકની એક મહિનાની યાત્રાને યુનુસ સરકારે મંજૂરી આપી છે. અગાઉ શેખ હસિના સરકારે જુલાઈ ૨૦૧૬માં ઢાકામાં હોલી આર્ટિસન બેકરીમાં આતંકવાદી હુમલા પછી ઝાકિર નાઇક પર પ્રતિબંધ લગાવ્યો હતો. નાઇક વિરુદ્ધ તેની પીસ ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.ss1
