સુરતમાં મહિલા કર્મચારીનો ચેન્જિંગ રૂમનો વીડિયો બનાવી ૬૦ લાખ પડાવ્યા
સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી
આ મામલે એક ખાનગી ટુર્સના માલિકે ફરિયાર નોંધાવતા, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી
સુરત,સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પૂર્વ કર્મચારીએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિકને બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે.
પાંડેસરા વિસ્તારમાં રહેતો આરોપી રાહુલ જગદીશભાઈ રગડે ફરિયાદીની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં છેલ્લા અઢી વર્ષથી નોકરી કરતો હતો.
રાહુલે નોકરી દરમિયાન ગુપ્ત રીતે કંપનીના ગ્રાહકોનો મહત્ત્વપૂર્ણ ડેટા ચોરી લીધો હતો. આ ઉપરાંત, તેણે ઓફિસમાં નોકરી કરતી એક મહિલા કર્મચારીનો કપડાં બદલતી વખતનો ખાનગી વીડિયો પણ પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો.
આ બંને બાબતોનો ઉપયોગ કરીને તેણે કંપનીના માલિકને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું.પહેલા તેણે મહિલા કર્મચારીને બ્લેકમેઈલ કરી ૬૦ લાખ પડાવ્યા હતા.બ્લેકમેઇલિંગની આ સમગ્ર પ્રક્રિયા લગભગ બે-અઢી વર્ષ ચાલી હતી.
રાહુલે માલિક પાસે વીડિયો વાયરલ ન કરવા અને ડેટા મેઇલ ન કરવાના બહાને વધુ રૂ. ૧,૨૦,૦૦,૦૦૦ની માંગણી કરી હતી. ધમકી આપી હતી કે, જો આ માંગણી પૂરી નહીં થાય, તો ફરિયાદીના પતિનો ધંધો બરબાદ કરી બદનામ કરી દેવામાં આવશે અને તેમને જાનથી મારી નાખવામાં આવશે. છેવટે, હેરાનગતિ અને સતત ધમકીથી કંટાળીને ફરિયાદીએ પોલીસમાં અરજી આપતા રાહુલ જગદીશભાઈ રગડેની ધરપકડ કરી છે. ss1
