ગીરનારની લીલી પરિક્રમા ૨જી નવેમ્બરથી શરૂ થશે
૩૬ કિલોમીટરના રૂટ પર લાખો યાત્રિકો માટે ચુસ્ત બંદોબસ્ત
પરિક્રમામાં પ્લાસ્ટિકની કોઈપણ ચીજવસ્તુ લઈ જઈ શકાશે નહીં અને તેનું ઉલ્લંઘન દંડનીય અપરાધ ગણાશે
જૂનાગઢ,ગિરનારની લીલી પરિક્રમા આગામી ૨ નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે ‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.લાખો શ્રદ્ધાળુઓ આ ૩૬ કિલોમીટર લાંબી પરિક્રમામાં જોડાવાના હોવાથી તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સુવિધા જળવાઈ રહે તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે.
પરિક્રમાના પ્રવેશદ્વાર પર પ્લાસ્ટિકની વસ્તુઓ અંદર ન જાય તે માટે સઘન ચેકિંગ અને યાત્રાળુઓને માર્ગદર્શન આપવામાં આવશે. કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, પરિક્રમામાં પ્લાસ્ટિકની કોઈપણ ચીજવસ્તુ લઈ જઈ શકાશે નહીં અને તેનું ઉલ્લંઘન દંડનીય અપરાધ ગણાશે.પરિક્રમાના સમગ્ર ૩૬ કિલોમીટર લાંબા રૂટ પર સુરક્ષા, આરોગ્ય અને સુવિધાઓનું સંકલન જળવાઈ રહે તે માટે પોલીસ, ફોરેસ્ટ, પીજીવીસીએલ, પાણી પુરવઠા અને હેલ્થ વિભાગના કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે. ઈમરજન્સીમાં ત્વરિત સહાય માટે તમામ સંબંધિત વિભાગો ડ્યુટી લિસ્ટ પોલીસ વિભાગને સોંપશે. ભાવિકોને શુદ્ધ પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પરિક્રમાના રૂટ પર ૫,૦૦૦ લીટરની ક્ષમતાની લગભગ ૪૨ જેટલી પાણીની ટાંકીઓ ગોઠવવામાં આવી રહી છે.
સ્વાસ્થ્ય માટે વિશેષ આયોજન કરાયું છે. પોલીસ અને ફોરેસ્ટની જેટલી પણ ચોકીઓ છે, ત્યાં દરેકે દરેક પોઈન્ટ પર હેલ્થના કર્મચારીઓ જરૂરી દવાઓ અને સામગ્રી સાથે ઉપસ્થિત રહેશે. તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક સારવાર કેન્દ્રો, હંગામી દવાખાના અને વ્યૂહાત્મક પોઈન્ટ પર એમ્બ્યુલન્સની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પોલીસની ચોકીઓ ખાતે પણ જરૂરિયાત મુજબ ૪૦ જેટલી વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે.
વધુ ચઢાણવાળા ઈમરજન્સી વિસ્તારો માટે વધારાના ૧૦ સ્ટ્રેચર રાખવામાં આવ્યા છે, તેમજ ઝીણાબાવાની મઢી, શ્રવણની કાવડ અને બોરદેવી ત્રણ રસ્તા ખાતે ૩ એમ્બ્યુલન્સ તૈયાર રખાશે. યાત્રિકોની સુવિધા માટે ૨૫૦ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ ૧૦ જેટલા અન્નક્ષેત્રોએ પરમિશન માગી છે, જેની મંજૂરી પ્રક્રિયા ચાલી રહી છે.ss1
