કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા શિહોર ખાતે જીતુ વાઘાણીએ બેઠક યોજી
શિહોર કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે કૃષિ મંત્રીએ ચર્ચા કરી
કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગર આવી પહોંચેલા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શિહોર પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કૃષિ મંત્રીશ્રીએ શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત વેળાએ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાના પગલે કૃષિમંત્રીશ્રીએ આજે શિહોર તાલુકાના કાજાવદર ગામની મુલાકાત દરમિયાન ખેડૂતના ખેતર પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણી, જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી ભૂમિકાબેન વાટલિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
