Western Times News

Gujarati News

ઘાયલ પ્રતિકા રાવલ વિમેન્સ વર્લ્ડ કપમાંથી બહાર થઈ

વર્તમાન વર્લ્ડ કપમાં પ્રતિકા રાવલે શાનદાર ફોર્મ દાખવ્યું છે

બાંગ્લાદેશ સામેની અંતિમ લીગ મેચમાં ઇજાગ્રસ્ત થયા બાદ નોકઆઉટ મેચો ગુમાવશે, ભારતને આંચકો

મુંબઈ,આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરી રહેલી અને હાલમાં સારું ફોર્મ ધરાવતી ઓપનર પ્રતિકા રાવલ રવિવારે બાંગ્લાદેશ સામેની મેચમાં ઘાયલ થઈ હતી અને ગંભીર ઇજા થઈ હતી જેને પરિણામે તે હવે આ વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગઈ છે.વરસાદથી પ્રભાવિત થયેલી રવિવારની મેચમાં બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે પ્રતિકા રાવલને ઇજા થઈ હતી. રવિવારે અહીંના ડી વાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચ દરમિયાન ૨૫ વર્ષની પ્રતિકાના જમણા પગે ઇજા થઈ હતી અને તેનો પગ મચકોડાઈ ગયો હતો. અન્ય ખેલાડી અને સ્ટ્રેચરની મદદથી તેને મેદાન બહાર લઈ જવાઈ હતી.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે જે રીતે તે મેદાન પર પડી ગઈ હતી અને તેને બહાર લઈ જવી પડી હતી તે જોતાં પ્રતિકા હવે નોકઆઉટ રાઉન્ડની મેચમાં રમી શકે તેવી શક્યતા નથી અને ભારતીય ટીમ માટે આ કમનસીબ બાબત છે. આમ ભારતે તેની ઇજાથી મોટો આંચકો લાગ્યો છે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ૨૧મી ઓવરમાં એક બોલ રોકવાના પ્રયાસમાં પ્રતિકા ડીપ મિડવિકેટથી દોડી હતી અને જમીન પર પડી ગઈ હતી. તેના ચહેરા પર ભારે તકલીફ જોવા મળતી હતી. આ સમયે ભારતીય ફિલ્ડર્સ તેની તરફ દોડી ગઈ હતી.

મેદાન પર સ્ટ્રેચર પણ બોલાવવામાં આવ્યું હતું પરંતુ રાવલ અન્ય ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફની મદદથી ચાલીને પેવેલિયન તરફ ગઈ હતી. વર્તમાન વર્લ્ડ કપમાં પ્રતિકા રાવલે શાનદાર ફોર્મ દાખવ્યું છે. તેણે છ ઇનિંગ્સમાં ૫૧.૩૩ની સરેરાશથી ૩૦૮ રન ફટકાર્યા છે. આ ઉપરાંત સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના સાથે મળીને તેણે કેટલીક મેચમાં ભારતને મજબૂત શરૂઆત પણ અપાવી હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તો તેણે સદી પણ ફટકારી હતી. તેના ૧૩૪ બોલમાં ૧૨૨ રનની મદદથી ભારતે સેમિફાઇનલમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરી દીધો હતો. આ ઉપરાંત પ્રતિકાએ ઓસ્ટ્રેલિયા સામેની અગત્યની મેચમાં ૯૬ બોલમાં ૭૫ રન ફટકાર્યા હતા.

પ્રતિકાએ આ ટુર્નામેન્ટ દરમિયાન જ પોતાની વન-ડે કારકિર્દીના એક હજાર રન પૂરા કર્યા હતા. વિમેન્સ વન-ડે ઇતિહાસમાં સૌથી ઓછી મેચ રમીને એક હજાર રન કરનારી બેટર્સમાં પ્રતિકા રાવલ સંયુક્તપણે મોખરાના ક્રમે છે. વિમેન્સ વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અંતિમ લીગ મેચ વરસાદને કારણે અનિર્ણીત રહી હતી. ભારતીય વિમેન્સ ટીમ હવે ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં રમશે. ત્યાર બાદ તે ફાઇનલમાં પ્રવેશશે તો રવિવારે ફાઇનલ રમાશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.