ભુવન બામ ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરશે
ભુવન અને કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી
આ પહેલાં ભુવને ઓટીટી પર ‘બ્રેકિંગ ન્યુઝ’ નામની સિરીઝની બે સીઝનમાં પણ લીડ રોલામાં કામ કર્યુ છે
મુંબઈ,ભુવન બામ ઓટીટી પર એક્ટિંગ ડેબ્યુ તો કરી ચૂક્યો છે, પરંતુ છેલ્લા કેટલાંક મહિનાઓથી તે ફિલ્મોમાં મોટા પડદે ડેબ્યુ કરવાનો હોવાના અહેવાલો હતા. હવે તેણે અને કરણ જોહરે સોશિયલ મીડિયા પોસ્ટથી જાહેર કરી દીધું છે કે તે ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. તે રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘કુકુ કી કુંડલી’ ફિલ્મ માટે વામિકા ગબ્બી સાથે કામ કરશે. આ ફિલ્મ શરણ શર્મા ડિરેક્ટ કરશે. ભુવને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની કરણના ધર્મા સાથે ડેબ્યુની જાહેરાત કરી દીધી છે. તેણે આર્ટીસ્ટ એગ્રીમેન્ટનો ફોટો પાડીને મુક્યો હતો અને આ પોસ્ટ તેણે ધર્મા પ્રોડક્શન્સના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ સાથે શેર કરી હતી.
આ પોસ્ટની કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “સપના જુઓ દોસ્તો, પુરા થઈ જાય છે.” સાથે કમેન્ટમાં પણ તેણે લખ્યું હતું, “તમારા બધાના સહકાર વિના આ શક્ય જ નહોતું. હંમેશા આપના આશીર્વાદની જરૂર છે.” ભુવન બામ યુટ્યુબ પર ‘બીબી કી વાઇન્સ’ ચેનલથી લોકપ્રિય થયો હતો. આ પહેલાં તેણે ઓટીટી પર ‘બ્રેકિંગ ન્યુઝ’ નામની સિરીઝની બે સીઝનમાં પણ લીડ રોલામાં કામ કર્યુ છે. સપ્ટેમ્બરમાં કરણ જોહર પણ ભુલથી બોલી ગયો હતો અને તેણે કહી દીધું હતું કે ભુવન બામ ધર્મા પ્રોડક્શન્સ સાથે ડેબ્યુ કરશે.
કરણે ભુવનના વખાણ કરતા કહ્યું હતું, “એ સૌથી મોટા યુટ્યુબરમાંનો એક છે અને હવે એ અમારા માટે લીડ એક્ટર તરીકે એક ફિલ્મ કરવાનો છે.” પરંતુ પછી તરત જ તેને સમજાયું હતું કે તેણે ભુલથી મોટો ખુલાસો કરી નાખ્યો છે. એટલે તેણે કહ્યું, “મેં બહુ મોટી ગડબડ કરી નાખી છે. મારે આ નહોતું કહેવાનું. આ ખરેખર મોટું સિક્રેટ હતું. મેં બહુ મોટી ગડબડ કરી નાખી છે.” પછી તેણે આ વિષે આગળ કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો નહોતો. ss1
