‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓ
પ્રતિકાત્મક
રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત
Ø પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતા શાળાઓને અનુક્રમે રૂ.૧ લાખ, ૭૫ હજાર અને ૫૦ હજારનું રોકડ ઇનામ
Ø આ શાળાઓમાં ગાંધીનગરની પાલજ અને અહમદપુર તેમજ ખેડાની સિંહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ
‘કલાયમેટ ચેન્જ‘ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથેસાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.
આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી છે.
આ અવોર્ડની કુલ સાતમાંથી, ‘શૈક્ષણિક સંસ્થા’ શ્રેણી હેઠળ આવતી આ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગાંધીનગર જિલ્લાની પાલજ અને અહમદપુર પ્રાથમિક શાળા તેમજ ખેડા જિલ્લાની સિંહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતા આ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે રૂ.૧ લાખ, ૭૫ હજાર અને ૫૦ હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવી છે.
સરકારી પ્રાથમિક શાળા, પાલજ :
પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગામજનોના સહયોગથી પ્લાસ્ટિક રિસાયકલિંગની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે પર્યાવરણની ટકાઉતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શાળા દ્વારા દર બુધવારે વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો તેમના ઘરેથી મંગાવવામાં આવતો હતો, જે IIT-ગાંધીનગર ખાતે રિસાયકલ માટે અપાતા જેના બદલામાં, વિદ્યાર્થીઓને લેખનપેડ, કચરાપેટી અને ગ્રીન બેન્ચીસ આપવામાં આવે છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિધાર્થીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં ૨૪૫ કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરવામાં આવ્યું છે. શાળા દ્વારા પાલજ ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે રેલી, ચિત્ર સ્પર્ધા અને સફાઈ અભિયાનની સાથે શાળાએ કેમ્પસમાં પ્લાસ્ટિક લાવવાને લઈને કડક પ્રતિબંધ પણ લાગુ કર્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ ૨૦૨૩–૨૪” પણ પ્રાપ્ત થયો છે.
અહમદપુર પ્રાથમિક શાળા :
પ્લાસ્ટિક મુક્ત હરિયાળા ગામ થકી ક્લાયમેટ ચેન્જ વિષય બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની પસંદગી કરાઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકોને શાળા તરફથી કેસર આંબાના ૨૫૦ રોપા આપવામાં આવ્યા હતા. જેમાંથી ૨૨૫ આંબા પર ફળ આવવા લાગ્યા છે. બાળકોનાં પ્રયત્નોથી પ્રત્યેક વર્ષે ‘’એક બાળ, એક ઝાડ’’ સંકલ્પથી શાળાએ નવા ૮૦૦ જેટલા વૃક્ષ ઉછેર્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગામમાંથી જૂના કપડાં એકત્રિત કરી અને તેનો ઉપયોગ કરીને ગ્રામજનો, શાળાના બાળકો અને ગામના સ્થાનિક દરજીની મદદથી ૩૫૦થી વધુ કપડાની થેલીઓ બનાવી, દરેક ઘરમાં અને દુકાનમાં વિતરણ કર્યું છે.
આમ છેલ્લા પાંચ વર્ષમાં ૭૫૦થી વધુ કાપડની થેલીઓ ગામજનોને આપીને પ્લાસ્ટિક મુક્ત ગામની સંકલ્પનાને સાકાર કરવામાં આવી છે. વધુમાં દર વર્ષે ૧૦૦ કિલો કરતાં વધુ બિનજરૂરી પતંગદોરીને બાળવાને બદલે, તેનો ઉપયોગ ખુરશીમાં બેસવાની ગાદી કે તકીયા બનાવવામાં થાય છે. આ વસ્તુઓ શાળાઓ અને જાહેર સંસ્થાઓમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ઉત્તરાયણ ઉપર ૨૦,૦૦૦થી વધુ પતંગો વૃક્ષોના બીજ સાથે ઉડાડીને આ વિસ્તારને વૃક્ષોથી હરિયાળો બનાવવા નવતર પહેલ હાથ ધરી છે.
સિંહુજકુમાર શાળા :
નરેન્દ્રગીરી બી. ગોસ્વામી-સિંહુજકુમાર શાળાની ‘ગ્રીન સ્કૂલ- કેચ ધ રેઇન’ના વિષય માટેની શૈક્ષણિક કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષક શ્રી નરેન્દ્રગીરી બી. ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ પર્યાવરણ ટીમો દ્વારા ઓડિટ અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “Catch the Rain” અભિયાનને અનુસરીને દર વર્ષે અંદાજે પાંચ લાખ લિટર પાણી બચાવવામાં આવે છે.
તેમના દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવીને પ્લાસ્ટિક પેકેજિંગનો ઉપયોગ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. ગામમાં નવીનીકરણીય ઊર્જા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળાની પ્રવૃત્તિઓ હેઠળ જૈવિક ખેતી અને ખાતપાચન (composting)ને એકીકૃત કરવામાં આવે છે. આ શાળાએ સમગ્ર જિલ્લાની ૩૦૦થી વધુ શાળાઓ અને ૯,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ હકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ બચાવવાની પ્રેરણા આપી છે.
