Western Times News

Gujarati News

પિંક ઈ-ઓટો પ્રોજેક્ટથી ૬૦ મહિલાઓના જીવનમાં પરિવર્તન

એકતા નગરની આદિવાસી બહેનો માટે આત્મનિર્ભરતાની નવી સવારીઃ 

(માહિતી) એકતા નગરઃ નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સતત મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર તા.૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લઈને પ્રવાસન અને સ્થાનિક રોજગારીને નવી દિશા આપનારી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે.

આ અવસરે વડાપ્રધાન મોદીની ભેટરૂપે ‘પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ’ પણ વિશેષ ધ્યાન આકર્ષી રહ્યો છે, જેના માધ્યમથી એકતા નગરની આજુબાજુના ગામોની આદિવાસી બહેનો હવે આત્મનિર્ભર બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન દ્વારા પીપીપી ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ આજુબાજુના છ ગામની કુલ ૬૦ મહિલાઓને ઈ-ઓટો ચલાવવાની તક આપવામાં આવી છે.

પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને ખાસ તાલીમ આપી લાઈસન્સ મેળવવામાં સહાયતા કરવામાં આવી છે. ત્યારબાદ તેમને વિશેષ ‘પિંક ઈ-ઓટો’ આપવામાં આવી છે, જે એકતા નગર અને આસપાસના પ્રવાસન ક્ષેત્રમાં દોડે છે. આ પ્રોજેક્ટે ન માત્ર આદિવાસી બહેનોને રોજગારી આપીને તેમનું આર્થિક સશક્તિકરણ કર્યું નથી, પરંતુ નારી શક્તિના સ્વાભિમાનને નવી ઓળખ પણ આપી છે. પર્યાવરણમિત્ર ઈ-ઓટો દ્વારા એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને ટકાઉ બની રહ્યો છે.

આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “નારી શક્તિથી રાષ્ટ્ર શક્તિ”ના વિઝનને સાકાર કરતી નજરે પડે છે. એકતા નગરનું આ ‘પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ’ હવે સમગ્ર દેશમાં મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી મોડલ બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.