કલેકટરના જાહેરનામાની ઐસી તૈસી કરી હિંમતનગરમાં ધમધમી રહ્યા છે સ્પા સેન્ટરો
આરટીઓ સર્કલ નજીક ચાલતા સ્પાના કર્મીઓના પુરાવા પોલીસ સ્ટેશનમાં રજૂ નહી કરાતા ફરીયાદ-હિંમતનગર બાયપાસ વિરપુર ચોકડીથી મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાં સ્પા સેન્ટરોનો રાફડો
(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર બાયપાસ વીરપુર ચોકડી થી લઈ આરટીઓ સર્કલ થી મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાં સ્પા સેન્ટરો નો રાફડો ફાટ્યો છે કેટલાક સ્પા સેન્ટરોમાં મસાજના ઓઢા હેઠળ ગોરખધંધા ચાલતા હોવાની પણ વ્યાપક ફરિયાદો લોકોમાં ઉઠી રહી છે.
સ્પાના ઓઠા હેઠળ ચાલતા દુષણને બંધ કરાવવા માટે રજૂઆતો પણ થયેલ હોવાનું લોકો કહી રહ્યા છે. ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આરટીઓ સર્કલ પાસેના એક સ્પા વિલાના સંચાલકે કલેકટરના જાહેરનામાનો ભંગ કરી કેટલાક લોકોને નોકરી પર રાખ્યા હતા.
પરંતુ તેમણે તે અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આધાર પુરાવા રજૂ ન કરતા સોમવારે ગ્રામ્ય પોલીસે સ્પાના સંચાલક વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પામી હતી.
આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પી.એસ.આઈ કે.એલ.જાડેજાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ આરટીઓ સર્કલ પાસે ચાલતા ધ સ્પાવિલાના સંચાલક ચંદ્રકુમાર કૃષ્ણકુમાર તીરગરે કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને સ્પામાં નોકરીએ રાખેલ કેટલાક કર્મચારીઓના ફોટા સાથેના બાયોડેટા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા ન હતા. જેથી માહિતીને આધારે પી.એસ.આઈ જાડેજાએ સ્પાના સંચાલક ચંદ્રકુમાર તીરગર વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
