આ ગામના લોકોએ 20 વર્ષ રાહ જોયા પછી સ્વમહેનતથી રસ્તો સુધારવાની શરૂઆત
પ્રતિકાત્મક
દેતડ ગામે ર૦ વર્ષની અવગણના પછી સ્વમહેનતથી રસ્તો સુધારવાની શરૂઆત -ગ્રામજનોએ કંટાળીને પોતાના સાધનો અને મજૂરીથી રિપેરિંગ કામગીરી હાથ ધરી
સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાના છેવાડે આવેલા દેતડ ગામના ગ્રામજનો અને ખેડૂતો ર૦ વર્ષથી એક જ આર્તનાદ કરી રહ્યા છે તેમના ખેતરો અને નજીકના ભાક્ષી ભંડારિયા ગામને જોડતા એકમાત્ર રસ્તાની સ્થિતિ અત્યંત બેહાલ છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન કાદવ- કીચડને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે વાહનો ચલાવીને ખેતરોમાં પહોંચવું અશક્ય બને છે. ખેડૂતોને માત્ર પગપાળા જવું પડે છે.
છેલ્લા ર૦ વર્ષમાં ગ્રામજનોએ સ્થાનિક તાલુકા કચેરીથી લઈને ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. વિવિધ સરકારો અને સત્તાધીશો બદલાયા પરંતુ આ રસ્તાની હાલતમાં કોઈ સુધારો થયો નથી. આખરે કંટાળીને ગ્રામજનો અને ખેડૂતોએ સ્વમહેનતથી રસ્તાના રીપેરની કામગીરી શરૂ કરી દીધી છે. તેઓ પોતાના સાધનો અને મજૂરીથી રસ્તાને સુધારવાનોપ્રયાસ કરી રહ્યા છે.
જેમાં ગામના યુવાનો અને મહિલાઓ પણ સામેલ છે. આ પગલું ગ્રામજનોની ધીરજ અને સ્વાવલંબનનું પ્રતીક છે, પરંતુ તે સત્તાધીશો પ્રત્યેની નિરાશાને પણ દર્શાવે છે. જિલ્લા વહીવટકર્તા, રાજય સરકાર અને સંસદ- વિધાનસભા સભ્યોને આ રસ્તાને તાત્કાલિક નવીનીકરણ કરવા માટે પગલાં લેવા જોઈએ. ગ્રામીણ વિસ્તારોમાં આવી સમસ્યાઓ વારંવર થાય છે. આ ઘટના ગુજરાતના ગ્રામીણ વિકાસ માટે એક જરૂરી પ્રશ્ર ઉભો કરે છે.
