Western Times News

Gujarati News

સાબરકાંઠા જિલ્લામાં માવઠાએ ખેતીના પાકોને કરોડોનું નુકસાન કર્યું

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે હવામાન વિભાગે માવઠાની કરેલી આગાહી સાચી ઠરી છે ત્યારે રવિવારે બપોરથી શરૂ થયેલું માવઠું સોમવારે પણ યથાવત રહેવા પામ્યું હતુ.

દરમ્યાન છેલ્લા સોમવારે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વિજયનગર તાલુકામાં ૦૧ ઈંચથી વધુ જ્યારે અન્ય તાલુકાઓમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ ચાલુ રહ્યો હોવાને કારણે બિચારો જગતનો તાત દિવાળી પર ચોમાસુ પાકની ઉપજને લઈને હરખાયો હતો. પરંતુ માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. માવઠાને કારણે સૌથી વધુ નુકસાન પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકામાં વાવેતર કરાયેલ ડાંગર, મગફળી, મકાઈ, કપાસ અને શાકભાજીના પાકોને થયું છે.

આ અંગેની વિગત એવી છે કે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દિવાળીના તહેવારો દરમ્યાન વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે આનંદ અને ઉમંગ સાથે અનેક પરિવારો તહેવારોની ઉજવણી કરી રહ્યા હતા

પરંતુ જગતનો તાત ચિંતામાં હતો તે પાછળનું કારણ એ છે કે લાભ પાંચમ પછી ચોમાસુ પાકની કાપણી અને લણણી કરવાની હોવાથી માવઠુ ન થાય તે માટે આકાશભણી મીટ માંડીને કુદરતને મનોમન વિનવણી કરી રહ્યો હતો.

પરંતુ આગાહી સાચી ઠરી હોય તેમ રવિવારે લાભ પાંચમના દિવસે વાતાવરણે મિજાજ બદલી નાંખ્યો હતો. અને બપોર પછી તો હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, વડાલી, ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના પંથકમાં આકાશ વાદળોથી ઘેરાયું હતુ. જેના લીધે ખેડૂતો ચિંતીત હોવા છતાં પાકને બચાવવા માટે રાત-દિવસ ખેતરોમાં તૈયાર થયેલ અનાજ સલામત જગ્યાએ લઈ જવા માટે દોડધામ કરતા હતા.

પરંતુ કુદરતને મંજૂર ના હોય તેમ રવિવારે બપોરથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધીમાં હિંમતનગર તાલુકામાં ૨, જ્યારે તલોદ તાલુકામાં ૦૩ મીમી વરસાદ થયો હતો. તો બીજી તરફ સોમવારે સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીમાં કમોસમી વરસાદે પોતાનો મિજાજ બતાવી દીધો હોય તેમ વિજયનગર તાલુકામાં સૌથી વધુ ૨૬ મીમી વરસાદ પડ્‌યો હતો.

તે જ પ્રમાણે ખેડબ્રહ્મામાં ૦૬, વડાલી તાલુકામાં ૦૪, ઈડરમાં ૦૮, હિંમતનગર ૧૧, પ્રાંતિજ ૧૩, તલોદમાં ૧૪ અને પોશીના તાલુકામાં ૦૪ મીમીથી વધુ વરસાદ પડતા ખેડૂતોએ મોમા આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેમ નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા હતા.

માવઠાને કારણે સૌથી વધુ નુકસાન પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકામાં થવા પામ્યું છે. કારણ કે આ વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરેલ ડાંગર, કપાસ, મગફળી, શાકભાજી અને મકાઈ સહિતના અન્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે. પ્રાંતિજ અને તલોદ તાલુકામાં ખેડૂતોએ ડાંગરની કાપણી કર્યા બાદ ઘાસચારો પલળી ગયો છે.

જોકે કેટલાક ખેડૂતોએ મગફળી અને ડાંગરને માવઠાથી બગડે નહી તે માટે પ્લાસ્ટીક, તાડપત્રીનો ઉપયોગ કરી અનાજના ઢગલા પર ઢાંકી દેવામાં આવ્યું હતુ. જે ખેડૂતોએ જમીનમાંથી મગફળી કાઢીને ઢગલા કર્યા હતા તેના પર પડેલા વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી. ખેડૂત વર્ગનું કહેવું છે કે માવઠાને કારણે થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે સરકારે ખેડૂતોને સહાય કરવા ખાસ પેકેજની જાહેરાત કરવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.