સોના ચાંદીના દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા પેસેન્જર અને પછી….
પ્રતિકાત્મક
ડીસા, પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતો ઠાકર પરિવાર દિવાળીની રજાઓમાં પોતાના વતન જતી વખતે સોના ચાંદીના દાગીના ભરેલ બેગ રિક્ષામાં ભૂલી ગયો હતો. જે અંગેની જાણ થતા નેત્રમ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે નેત્રમની મદદથી સોના ચાંદીના દાગીના ભરેલ બેગ શોધી જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂળ માલિકને પરત કરવામાં આવી હતી.
પાલનપુર બ્રાહ્મણવાસ દિલ્હી ગેટ ખાતે રહેતા ધર્મેશકુમાર શંભુપ્રસાદ ઠાકર ર૪ ઓકટોબર ર૦રપના રોજ તેઓના પરિવાર સાથે દિવાળીના તહેવારમાં તેમના વતન સિદ્ધપુર ખાતે જવા નીકળ્યા હતા. જેઓ દિલ્હી ગેટ ખાતેથી રિક્ષામાં બેસી એરોમા સર્કલ પેટ્રોલપંપ નજીક ઉતરી પેસેન્જર ગાડીમાં બેસી સિદ્ધપુર જવા નીકળ્યા હતા.
રીક્ષામાં ભૂલી ગયેલા 5.13 લાખના સોના-ચાંદીના દાગીના પોલીસે મૂળ માલિકને પરત કર્યા
તે સમય દરમિયાન તેમના રૂ.પ.૧૩ લાખ સોના ચાંદીના દાગીના ભરેલ બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાની તેમને જાણ થતાં તેમણે પાલનપુર નેત્રમ શાખાના પીએસઆઈ કે.ડી.રાજપૂતનો સંપર્ક કરતા તેમણે સીસીટીવી કૂટેજના આધારે ચેક કરતા રીક્ષામાં ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું.
નોડલ ઓફિસર વિશ્વાસ પ્રોજેકટના નાયબ પોલીસ અધિક્ષક બી.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ નેત્રમના પીએસઆઈ કે.ડી. રાજપુત સહિતની ટીમ દ્વારા રીક્ષા ચાલક મોહમદ કુરેશી (રહે. બારડપુરા)નો સંપર્ક કરતા રિક્ષામાંથી સોના ચાંદીના દાગીના ભરેલ બેગ મળી આવી હતી
જેથી આ બેગ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી લેતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે રિક્ષા ડ્રાઈવરનું સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું તેમજ તેરા તુજકો અર્પણ અંતર્ગત સોના ચાંદીના દાગીના ભરેલ બેગ મૂળ માલિકને પરત કરવામાં આવતા મૂળ માલિકે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
