US એ ગ્રીન કાર્ડધારકો તથા ઈમિગ્રન્ટ્સ માટે નવા એન્ટ્રી-એક્ઝિટ નિયમો જારી કર્યા
આ નવા નિયમો ૨૬ ડિસેમ્બરથી અમલી બને તેવી શક્યતા
અમેરિકા જનારાં કે ત્યાંથી બહાર જનારાં તમામ ઈમિગ્રન્ટ્સ અને નોન-સિટીઝન્સનો ફોટો, બાયોમેટ્રિક ડેટા લેવાશે
વોશિંગ્ટન, વિદેશી વસાહતીઓની સંખ્યામાં કાપ મુકવા રોજ નવા નિયંત્રણો લાદતી અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે હવે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અને ઈમિગ્રન્ટ્સ માટે એક્ઝિટ-એન્ટ્રીના નવા નિયમો જારી કર્યાં છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, અમેરિકામાં આવતાં કે અમેરિકામાંથી બહાર જતાં તમામ ઈમિગ્રન્ટ્સ અને નોન-સિટીઝન્સનો ફોટો પાડવામાં આવશે. આ નવા નિયમો ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલી બને તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાંક ઈમિગ્રન્ટ્સ અને વિદેશી મુલાકાતીઓ માટે ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ સ્કેનિંગનો નિયમ અગાઉ પણ અમલમાં હતો. આ ઉપરાંત ૨૦૦૪ની સાલથી અમેરિકામાં પ્રવેશનારા કેટલાંક નોન-સિટીઝન્સનો બાયોમેટ્રિક ડેટા કલેક્ટ કરવાની પણ શરૂઆત કરાઈ હતી. જોકે આ નવા નિયમો હેઠળ અમેરિકામાં પ્રવેશનારા કે અમેરિકામાંથી બહાર જનારા તમામ વિદેશીઓને આવરી લેવાશે.ફેડરલ રજિસ્ટરમાં અપાયેલી વિગતોમાં જણાવ્યાં અનુસાર, નોન-સિટીઝન્સના આગમન અને વિદાય વખતે લેવામાં ડેટાથી રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ચિંતાઓ, પ્રવાસને લગતાં દસ્તાવેજોનો દુરૂપયોગ તથા વિઝાની સમયમર્યાદા કરતાં વધુ રોકાણ કરનારા લોકો પર નિયંત્રણ લાવવામાં મદદ મળી રહેશે.
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના જણાવ્યાં અનુસાર, અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના કર્મચારીઓ દ્વારા દેશમાં આવતા અને બહાર જતાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ તથા ઈમિગ્રન્ટ્સના ફોટોગ્રાફ લેવામાં આવશે.આ ઉપરાંત તેમણે તેમનો બાયોમેટ્રિક ડેટા પણ આપવાનો રહેશે. આ સિવાય અગાઉ ૧૪ વર્ષથી નીચેની વયના અને ૭૯ વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને આ પ્રક્રિયામાંથી અપાયેલી મુક્તિને રદ કરાઈ છે. પ્રવાસીની ઓળખની ખાતરી કરવા માટે ફેસિયલ કમ્પેરિઝન ટેન્કોલોજીની સાથે પ્રવાસીની વિગતો, વિઝા અરજીમાંનો ફોટોગ્રાફ તથા પાસપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. SS1
