ખર્ચ ઘટાડવા એમેઝોન ૧૪,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરશે
પ્રતિકાત્મક
૨૦૨૩ પછી ઓનલાઈન રિટેલ જાયન્ટમાં સૌથી મોટી છટણી
કંપની આશરે ૪ ટકા કોર્પાેરેટ કર્મચારીઓની છટણી કરી, કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા ૧૫.૬ લાખ છે
સિએટલ, ઓનલાઈન રિટેલ જાયન્ટ એમેઝોને મંગળવારથી લગભગ ૧૪,૦૦૦ કોર્પાેરેટ નોકરીઓમાં કાપ મૂકવાનું ચાલુ કર્યું હતું. કંપની તેના એકંદર ખર્ચમાં ઘટાડો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)માં વધુ રોકાણના ભાગરુપે આ છટણી કરી રહી છે. એમેઝોનમાં લગભગ ૩૫૦,૦૦૦ કોર્પાેરેટ કર્મચારીઓ છે. આમ કંપની આશરે ૪ ટકા કોર્પાેરેટ કર્મચારીઓની છટણી કરી રહી છે. કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા ૧૫.૬ લાખ છે. ૨૦૨૧માં સીઇઓ બન્યા પછી એન્ડી જેસી ખર્ચમાં મોટાપાયે કાપ મૂકી રહ્યાં છે.
તેમણે જૂનમાં જણાવ્યું હતું કે જનરેટિવ એઆઇને કારણે આગામી થોડા વર્ષમાં કોર્પાેરેટ વર્કફોર્સમાં ઘટાડો થશે. આ મહિનાની શરૂઆતમાં એમેઝોને ક્લાઉડ કમ્પ્યૂટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ળાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે નોર્થ કેરોલિનમાં કેમ્પસનું નિર્માણ કરવા ૧૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તે અમલદારશાહીમાં ઘટાડો કરી રહી છે. નોકરીમાં કાપથી પ્રભાવિત ટીમો અને કર્મચારીઓને મંગળવારથી નોટિસ આપવાની શરૂઆત કરાઈ હતી.
મોટાભાગના કર્મચારીઓને આંતરિક રીતે નવી ભૂમિકા શોધવા માટે ૯૦ દિવસનો સમય અપાશે. જે કર્મચારીઓ કંપનીમાં નવી ભૂમિકા ન મેળવી શકે તેમને પેકેજ, આઉટપ્લેસમેન્ટ સેવાઓ અને આરોગ્ય વીમા લાભો સહિત ટ્રાન્ઝિશનલ લાભ આપવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન ઓનલાઇન ખર્ચમાં વધારો થયો હોવાથી કંપનીએ તેના કર્મચારીઓની સંખ્યા લગભગ બમણી કરી હતી. આ પછી મોટી ટેકનોલોજી અને રિટેલ કંપનીઓએ ખર્ચમાં કાપ મૂકવા માટે હજારો નોકરીઓમાં કાપ મૂક્યો હતો. એમેઝોનની આ છટણી દર્શાવે છે કે તે હજુ પણ તેના કાર્યબળનું કદ યોગ્ય કરવાનો પ્રયાસ કરી રહી અને તે કદાચ પૂરું થયું નથી. ૨૦૨૩ પછી કંપનીની આ સૌથી મોટી છટણી છે. ૨૦૨૩માં એમેઝોને ૨૭,૦૦૦ નોકરીમાં કાપ મૂક્યો હતો.SS1
