વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવનારા સ્વરૂપવાન યુવતી ઝડપાઈ
AI Image
બે વેપારીનું અપહરણ કરી ધમકીઓ આપી રૂપિયા પડાવ્યા હતા -સાગરિતો સાથે મળી હનીટ્રેપમાં ફસાવતી યુવતી ઝડપાઈ, એક વર્ષથી ફરાર હતી -અત્યાર સુધી કેટલા રૂપિયા પડાવ્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી
(એજન્સી)અમદાવાદ, શહેરમાં વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવનારા સ્વરૂપવાન યુવતીને નરોડા પોલીસે ઝડપી પાડી છે. તેનાં સાગરીતો સાથે ભેગા મળી બે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા અને દાગીનાં પડાવી લીધા હતા.
જયારે તેની સામે બે ફરીયાદો પણ નરોડા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ છે. જેમાં વેપારીને ફસાવી સાગરીતો સાથે અપહરણ કરી કેસ કરવાની ધમકીઓ આપીને રૂપિયા પડાવતી હતી. આ અંગે પોલીસે અત્યાર સુધી કેટલા રૂપિયા લોકો પાસેથી પડાવ્યા તે અંગે તપાસ શરૂ કરી છે.
મુળ રાજકોટની હીના ઉર્ફે શીતલ વાળોદરાએ પોતાનાં સાગરીતો સાથે મળીને પ્રેમજાળમાં ફસાવી રાતોરાત પૈસાદાર બનવાનાં સપનાં જોયા હતા. નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ ર૦ર૪માંહનીટ્રેપમાં બે ફરીયાદી નોધાઈ હતી. જેમાં રાજસ્થાનનાં રીયલ એસ્ટેટનાં વેપારીને શીતલ પટેલના નામે વોટસએપ મેસેજ કરી નરોડા મળવા બોલાવ્યો હતો.
જયાં વેપારીએ યુવતી સાથે ખરીદી કરી અને બાદમાં રોડ પર અચાનક એક ગાડીમાં ૩ શખ્સો આવ્યા અને પોતાની પત્ની સાથે વેપારી શું કરે છે. તેમ કહીને બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પ૦ લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીનું અપહરણ કરી એક લાખ રોકડા અને ર.૪૦ લાખનાં દાગીનાં પડાવી તમામ ફરાર થઈ ગયા હતા.
તેમજ બીજા સુરતના વેપારીને શીતલ મહેતા તરીકેની ઓળખ આપીને પોતાનું વજન ઉતારવા માટે ન્યુટ્રીશીયન પાવડર ખરીદવાનું કહીને વાતો શરૂ કરી હતી. બાદમાં મળવા બોલાવી દહેગામ તરફ મળીને પોતાની એકટીવા પર કેનાલ પાસે લઈ ગઈ હતી. જયાં સાગરીતો સાથે મળીને ડ્રગ્સ ડીલર છે તેવું જણાવી અપહરણ કર્યું હતું.
બાદમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી એક લાખની કિમતની સોનાની લકી અને ૩ લાખ રોકડા પડાવી લીધા હતા. બંને કેસમાં પોલીસે અગાઉ જયરાજસિંહ બોરીચા, વિજય સગર અને મંગળુભાઈ ખાચરની ધરપકડ કરી હતી. બાદમાં મુખ્ય આરોપી શીતલ એક વર્ષથી ફરાર હતી. તેને પકડી પાડી છે.
