નશાની લતે ચડેલા બેરોજગાર યુવાનોએ રેલવે યાર્ડમાંથી ભંગારની ચોરી કરી
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ રેલવે યાર્ડમાં ચોરી કરતા ત્રણ યુવાનોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં આ યુવાનો ને કોઈ રોજગારી ના મળતી હોય બેકારીની પીડામાં નશાની લતે ચડી ગયા હતા
જેના કારણે ચોરીનો ધંધો શરૂ કર્યો હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ ત્રણેય ઇસમો પાસેથી કોપરના કેબલ સહિત રૂ. ૧૧૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ રેલવે સ્ટેશન ઉપર આવેલ યાર્ડ પાસે , સિગ્નલ સ્ટોર આવેલો છે. આ સ્ટોરમાં પડેલ રેલવેના સામાનની, ત્રણેક યુવકો ચોરી કરી રહ્યા હતા. આ વાતની જાણ રેલવે આર.પી.એફના સ્ટાફને થતા પીઆઇ રવિન્દ્રકુમાર યાદવ, જયેશ પાટીલ, રવિકિરણ શર્મા, ધર્મેન્દ્રસિંહ તથા ધારાસિંહ ગુર્જર તત્કાલ સિગ્નલ સ્ટોર ઉપર તપાસ માટે પહોંચ્યા હતા તે વખતે રોહિત રમેશભાઈ ડામોર, અજીત તળપદા, કરણ તળપદા નજરે પડ્યા હતા.
આ ત્રણેય વ્યક્તિઓને પકડીને પૂછપરછ કરતા તેમની પાસેથી રેલવેમાં વપરાતા કેબલ ચોરીની કબુલાત કરી હતી વધુ પૂછપરછ કરતા ૨૦ કિલો તાર, ચોરી કરી ભંગારની દુકાને વેચ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી છે કે સિગ્નલ સ્ટોર ઉપર લોખંડના ગેટ માં શેડની વચ્ચે ગેપ હોય છે. જેની અંદર જઈ કેબલ કાપી આ ત્રણ તસ્કરો ચોરી કરતા હતા. આ ઉપરાંત કપડવંજ પાસે રેલવેના કોપર વાયર કાપ્યા હતા. ખાસ વાત એ છે. યુવાનોને કામ ન મળતા અને નશા ની આદત પડી ગઈ હોવાથી ચોરીના રવાડે ચડ્યા હતા. કુલ ૧૧૦૦૦ ઉપરાંત નો મુદ્દામાલ નડિયાદ રેલવે આર. પી. એફ પોલીસે ઝડપી પાડ્યો હતો.
