સદીનું સૌથી ભયાનક વાવાઝોડું ‘મેલિસા’ જમૈકા પર ત્રાટક્યું
ભારે વરસાદથી અત્યાર સુધીમાં સાતનાં મોત
દરિયામાં ૪ મીટર ઊંચા મોજાની આગાહી, આશરે ૧૫ લાખથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થવાનો અંદાજ
જીનિવા, સદીનું સૌથી ભયાનક વાવાઝોડું મેલિસા મંગળવારની મોડી રાત્રે જમૈકા પર ત્રાટક્યું હતું. કેટેગરી-૫ના આ ચક્રવાતી તોફાનને કારણે ૩૦૦ કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડાથી ભારે વિનાશ સર્જાવાની આશંકા છે. વાવાઝોડા પહેલા ભારે વરસાદને પગલે જમૈકામાં ત્રણ, હૈતીમાં ત્રણ, અને ડોમિનિકન રિપબ્લિકમાં એક એમ કુલ સાત લોકોના મોત થયા હતાં. વર્લ્ડ મીટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાતે જીનીવામાં એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે જમૈકામાં વિનાશક સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.
જમૈકા માટે તે ચોક્કસપણે સદીનું સૌથી ભયાનક વાવાઝોડું હશે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધ રેડ ક્રોસનો અંદાજ મુજબ જમૈકામાં ૧૫ લાખ લોકો સીધી રીતે પ્રભાવિત થશે. મકાના છાપરાની કસોટી થશે અને ચોતરફ પૂર આવશે. સત્તાવાળાઓએ દરિયાકાંઠાના અનેક સમુદાયો માટે ફરજિયાત સ્થળાંતરના આદેશો જારી કર્યા હતાં. સમગ્ર ટાપુ પર સેંકડો આશ્રયસ્થાનો ખોલવામાં આવ્યા છે.યુએસ નેશનલ હરિકેન સેન્ટરએ જણાવ્યું હતું કે મેલિસા એક અત્યંત ખતરનાક મોટા વાવાઝોડા તરીકે જમૈકા અને દક્ષિણપૂર્વ ક્યુબા સુધી પહોંચવાની ધારણા છે.
આ પછી તે બુધવાર સુધીમાં બહામાસ અને ટર્ક્સ અને કૈકોસ તરફ આગળ વધશે. બહામાસ વડાપ્રધાન ફિલિપ ડેવિસે દ્વીપસમૂહના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો. ક્યુબામાં ભારે પવન અને પૂરના જોખમી વિસ્તારોમાંથી ૫ લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા હતાં.SS1
