સાક્ષીને ધમકાવવા બદલ પોલીસ સીધી ફરિયાદ નોંધી શકેઃ સુપ્રીમ કોર્ટ
સાક્ષીને ધમકાવવાના કેસમાં કેરળ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમે રદ કર્યાે
ધમકી મળી હોય તેવા કોઈપણ સાક્ષી પાસેથી કોર્ટમાં જઈને સૌપ્રથમ ફરિયાદ દાખલ કરાવવાની અપેક્ષા રાખવી વાજબી નથી ઃ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૫એ હેઠળ સાક્ષીને ધમકી આપવી સજાપાત્ર ગુનો બને છે. આ ગુના બદલ પોલીસ આરોપી વિરુદ્ધ સીધી ફરિયાદ દાખલ કરી શકે છે અને તપાસ શરૂ કરી શકે છે.જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે કેરળ હોઈકોર્ટના ચુકાદાને રદ કર્યાે હતો જેમાં આઇપીસીની કલમ ૧૯૫એ હેઠળ સાક્ષીને ધમકાવવાના ગુના બદલ પોલીસ એફઆઇઆર દાખલ કરી શકે નહીં અને આવા ગુનાની સુનાવણી માત્ર સંબંધિત કોર્ટ દ્વારા સીઆરપીસીની કલમ ૧૯૫ અને ૩૪૦ હેઠળ લેખિત ફરિયાદ દ્વારા જ થઈ શકે તેમ જણાવાયું હતું.
સુપ્રીમ કોર્ટે ૨૮ ઓક્ટોબરના ચુકાદામાં હાઈકોર્ટના વલણ અંગે અસહમતિ દર્શાવતા કહ્યું કે, કલમ ૧૯૫એ આઈપીસીને જાણીજોઈને એક અલગ તથા વિશેષ ગુનાના રૂપમાં તૈયાર કરાઈ છે, જેની પ્રક્રિયા અને રસ્તો અલગ છે. આ ગુનો કોગ્નીઝેબલ શ્રેણીમાં આવે છે અને એટલા માટે પોલીસને સાક્ષીના નિવેદનને આધારે એફઆઇઆઇર નોંધવાની સત્તા છે.કોર્ટે નોંધ્યું કે, કલમ ૧૯૫એ આઈપીસીને એ ઉદ્દેશથી લાગુ કરાઈ હતી કે આ કલમ ૧૯૩, ૧૯૪, ૧૯૫ અને ૧૯૬ આઈપીસી અંતર્ગત આવતા ગુના કરતા અલગ રહે.
આ ગુના નોન કોગ્નિઝેબલ ગણાય છે અને માત્ર કલમ ૧૯૫(૧)(b)(i) સીઆરપીસીમાં ઉલ્લેખ કરાયેલી વ્યક્તિઓની ફરિયાદને આધારે જ કાર્યવાહી થઈ શકે છે. પરંતુ કલમ ૧૯૫એ આઈપીસી સજાપાત્ર ગનો છે, જે કોઈ વ્યક્તિને ખોટા પુરાવા આપવા, ધમકી, ઈજા કે તેની પ્રતિષ્ઠા તથા સંપત્તિને નુકસાન પહોંચાડવાના ડરથી પ્રેરિત કરવા સંબંધિત છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, ધમકી મળી હોય તેવા કોઈપણ સાક્ષી પાસેથી કોર્ટમાં જઈને સૌપ્રથમ ફરિયાદ દાખલ કરાવવાની અપેક્ષા રાખવી વાજબી નથી જણાતું. ધમકી મળી હોય તેવા સાક્ષીને સંબંધિત કોર્ટ સમક્ષ આ વાત જણાવવી પડે અને તેમાં સંલગ્ન કાયદા હેઠળ તપાસની જરૂર હોય તો આ માત્ર ન્યાય પ્રક્રિયાને અપંગ બનાવશે. SS1
