રાપરના ત્રંબામાં પ્રેમસંબંધની શંકામાં મિત્રએ મિત્રની કરી હત્યા
લોખંડની પાઇપ મારી યુવકનું મોઢું છુંદી નાખ્યું
ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
રાપર, રાપર તાલુકાના ત્રંબો ગામે પ્રેમ સંબંધની શંકાના આધારે એક મિત્રએ જ અન્ય મિત્રની હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો છે. ત્રંબો ગામથી તેના પિતરાઈ ભાઈ સાથે રાપર જવા નીકળેલા યુવકને અધવચ્ચે જ તેના મિત્રએ પોતાની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને પાઈપ વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકના પિતા નારણ ડોડીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ગત રાત્રિના લગભગ નવ વાગ્યાના અરસામાં તેમના ભત્રીજા ધર્મેન્દ્ર સાથે તેમનો ૨૪ વર્ષીય પુત્ર ધનસુખ ડોડીયા એક્ટિવા પર રાપર જવા નીકળ્યો હતો. થોડા સમય બાદ ભત્રીજાનો ફોન આવ્યો કે ગામના ભરત કેશાભાઈ કોલીએ ધનસુખને પાઈપ વડે માર મારી ફરાર થઈ ગયો છે.પિતા ઘટનાસ્થળે પહોંચતા પુત્ર ધનસુખ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને તેમાં કોઈ હલનચલન નહોતું. કોઈએ ૧૦૮ હેલ્પલાઈનમાં ફોન કરતાં આવેલી એમ્બ્યુલન્સ મારફતે તેને રાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાે હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી ભરત કોલીની પિતરાઈ બહેન સાથે મૃતક ધનસુખને પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો.આ બાબતે પોલીસના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી બંને મિત્રો હતા. આરોપીની પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાને લઈને બંને વચ્ચે ઝઘડો થતાં ભરત કોલીએ ધનસુખ ડોડીયાને મોઢાના ભાગે લોખંડના પાઈપ વડે ગંભીર ઘા મારી દીધા અને નાસી ગયો હતો. પોલીસે રાત્રે જ અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો છે.SS1
