કાર્તિક આર્યન અને કબીર ખાન સ્પોટ્ર્સ ફિલ્મ માટે ફરી સાથે આવશે
આ પહેલાં તેમની ‘ચંદુ ચેમ્પિયન’ ખુબ સફળ થઈ ચુકી છે
કાર્તિક આર્યને તેના રોમેન્ટિક અને કોમેડી હિરોની છબિમાંથી બહાર નીકળીને જે સખત મહેનત કરી તેમાંથી તેના કામના ખુબ વખાણ થયા
મુંબઈ, કબીર ખાને કાર્તિક આર્યન સાથે ૨૦૨૪માં પહેલી વખત ‘ચંદુ ચેમ્પિયન’ ફિલ્મ કરી, જે સાજીદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. કાર્તિક આર્યને તેના રોમેન્ટિક અને કોમેડી હિરોની છબિમાંથી બહાર નીકળીને જે સખત મહેનત કરી તેમાંથી તેના કામના ખુબ વખાણ થયા. ત્યારથી આ બંને ફરી એક વખત કોઈ ફિલ્મ માટે ચર્ચા કરી રહ્યા હોવાના અહેવાલો આવતા રહ્યા હતા.ત્યારે હવે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કાર્તિક આર્યન કબીર ખાનની આગામી ફિલ્મ કરવા માટે સહમત થઈ ગયો છે, જે એક સ્પોટ્ર્સ એક્શન ફિલ્મ હશે અને આ ફિલ્મ પણ કોઈ સત્ય ઘટનાથી પ્રેરિત હોવાની ચર્ચા છે.
સુત્રએ જણાવ્યું કે, “કબીર ખાનને દરેક ફિલ્મમાં પોતાની મર્યાદાઓથી આગળ વધીને કામ કરવું ગમે છે, હવે તેની આગામી ફિલ્મ પણ એક ગંભીર, એક્શન, ડ્રામા અને ઇમોશનથી ભરપુર ફિલ્મ હશે. તેને લાગે છે કે આ ફિલ્મ માટે પણ કાર્તિક બિલકુલ યોગ્ય કલાકાર છે અને તેઓ દર્શકો માટે પણ નવો સિનેમેટિક અનુભવ આપવાની સાથે એક યાદગાર ફિલ્મ આપવા માગે છે.” એવી પણ ચર્ચા છે કે આ એક મોટા બજેટની ફિલ્મ છે અને કાર્તિક આર્યનની અત્યાર સુધીની સૌથી વધુ બજેટની ફિલ્મ હશે.
સુત્રના જણાવ્યા અનુસાર, “કાર્તિકે ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઇઝી સાથે પણ સાબિત કર્યું છે કે તેના નામે લોકો ફિલ્મ જોવા આવે છે, હવે પછીની ફિલ્મથી પણ તે પોતાની લોકપ્રિયતા વધે એવા પ્રયત્નો કરવા માગે છે.ધર્મા પ્રોડક્શન માટે તેની આવનારી ફિલ્મ પણ ૮૦ કરોડના બજેટ સાથે બની રહી છે અને તેના પછી કબીર ખાનની ફિલ્મ એક મહત્વાકાંક્ષી બજેટ સાથે બની રહેલી ફિલ્મ છે. જોકે, આ ફિલ્મ અંગે જાહેરાત આવતા વર્ષે કરવામાં આવશે.” તે પહેલાં કાર્તિક ૧ નવેમ્બરે ધર્મા પ્રોડક્શન્સની નાગઝિલાનું શૂટિંગ શરૂ કરશે. તાજેતરમાં જ તેણે આ ફિલ્મનું પોસ્ટર શૂટ પૂરું કર્યું છે. કબીર ખાનની ફિલ્મ વિશે વધુ માહિતી આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે. SS1
