Western Times News

Gujarati News

૧૮ વર્ષ પછી સલમાન ખાન સાથે ગોવિંદાની જોડી જામશે!

‘બેટલ ઓફ ગલવાન’નું શૂટિંગ શરૂ

ગોવિંદાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ સિટીના એક સેટ પરથી પોતાની તસવીર પણ શેર કરી

મુંબઈ, બોલિવૂડના ‘પાર્ટનર’ સલમાન ખાન અને ગોવિંદાની જોડી લાંબા સમય પછી ફરી મોટા પડદા પર જોવા મળી શકે છે. હાલમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ને કારણે ચર્ચામાં છે, અને હવે સમાચાર છે કે આ ફિલ્મમાં તેની સાથે ગોવિંદા પણ જોવા મળશે. આનો અર્થ એ છે કે, લગભગ ૧૮ વર્ષના લાંબા ગાળા પછી, આ બંને અભિનેતાઓ ફરી એકસાથે ફિલ્મમાં કામ કરશે.બિગ બોસ ૧૯ના તાજેતરના ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજા મહેમાન તરીકે આવી હતી.

આ શોમાં, સલમાન અને સુનીતાએ ગોવિંદા સાથે તેમના ફરીથી કામ કરવા અંગે ચર્ચા કરી, જે વાત ચાહકોમાં વાઈરલ થઈ રહી છે. સલમાને આ ચર્ચા દરમિયાન સંકેત આપ્યો કે તે અને ગોવિંદા હવે એકસાથે કામ કરી રહ્યા છે. જોકે, સલમાને પ્રોજેક્ટનું નામ જાહેર નહોતું કર્યું, પરંતુ અટકળો છે કે ગોવિંદા વોર ડ્રામા ‘બેટલ ઓફ ગલવાન’માં સલમાન સાથે અભિનય કરશે.તાજેતરમાં જ, ગોવિંદાએ તેના ફેન્સને તેના કમબૅકનો સંકેત આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘તે એક નવી ઇનિંગ્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે.’

ગોવિંદાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ સિટીના એક સેટ પરથી પોતાની તસવીર પણ શેર કરી હતી. પોતાની શ્રેષ્ઠ કોમિક ટાઇમિંગ અને ડાન્સ મૂવ્સ માટે જાણીતો ગોવિંદા આ તસવીરમાં, ચમકદાર પીળા રંગની બારીક ડિઝાઇનવાળી જૅકેટ, સફેદ ટી-શર્ટ, વાદળી જિન્સ અને ભૂરા રંગના બૂટ પહેરીને સ્મિત સાથે ઊભેલો જોવા મળ્યો હતો.આ ચર્ચાઓ વચ્ચે ઘણા મીડિયા રિપોટ્‌ર્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગોવિંદાએ ‘બેટલ ઓફ ગલવાન’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ‘બેટલ ઓફ ગલવાન’નું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે.

આ ફિલ્મ ભારત અને ચીન વચ્ચે ૨૦૨૦માં થયેલા ગલવાન ઘાટી સંઘર્ષ પર આધારિત છે, જે સમુદ્ર સપાટીથી ૧૫,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈ પર એક પણ ગોળી ચલાવ્યા વિના લડવામાં આવ્યો હતો. સલમાન ઉપરાંત ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.સલમાન અને ગોવિંદા દાયકાઓથી મિત્રો છે, તેમની લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં શરૂ થઈ હતી. ગોવિંદા અવારનવાર સલમાનને તેના ખરાબ સમયમાં કારકિર્દીને ફરી પાટા પર લાવવાનો શ્રેય આપે છે. સલમાન અને ગોવિંદા છેલ્લે ‘પાર્ટનર’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ સિવાય બંને ‘સલામ-એ-ઈશ્ક’માં પણ સાથે કામ કરી ચૂક્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.